Surat: આગામી દિવસોમાં આવનારા ગણપતિ ઉત્સવને લઈને સુરત શહેરમાં ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગણેશ ચતુર્થી પહેલાં આવેલા વીકેન્ડમાં સમગ્ર સુરત ગણપતિમય બની ગયું હતું. શનિવાર-રવિવારે શહેરમાં વરસાદ અને પવનનું મૌસમ હોવા છતાં જુદા જુદા વિસ્તારોમાં ગણેશ આયોજકો દ્વારા આગમન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નીકળેલી શોભાયાત્રાઓને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ ચતુર્થી પહેલાં ગણેશ આગમનનો જશ્ન વિશેષ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. સમગ્ર શહેરમાં દર વર્ષે અંદાજે 80 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થાય છે. અગાઉ સુરતમાં ગણેશ વિસર્જન સમયે ભવ્ય શોભાયાત્રાઓ યોજાતી હતી, પરંતુ પ્રતિબંધોને કારણે છેલ્લા કેટલાક સમયથી આગમન યાત્રાનો ટ્રેન્ડ શરૂ થયો છે અને તે દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.

આ વીકેન્ડમાં આગમન યાત્રાઓમાં ભારે ઝાકઝમાળ જોવા મળી હતી. સામાન્ય રીતે 9 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ છે, છતાં આ વર્ષે અનેક સ્થળોએ નાની મંગલ મૂર્તિ સાથે 25 ફૂટ જેટલી મોટી પ્રતિમાઓ શોભાયાત્રામાં સામેલ થઈ હતી.

સુરતના કોટ વિસ્તારની અનેક ગણેશ પ્રતિમાઓ ડી.કે.એમ. હોસ્પિટલ ખાતે રાખવામાં આવી હતી. બાદમાં રાત્રિના સમયે બેન્ડ, ડીજે અને ઢોલ-નગારાના તાલે તેમજ ઝગમગતી લાઇટિંગ સાથે ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાંથી ડી.કે.એમ. હોસ્પિટલથી શરૂ થયેલી આગમન યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. “ગણપતિ બાપ્પા મોરિયા” ના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વરસાદ અને પવન હોવા છતાં ગણેશ ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો થયો નહોતો અને દબદબાભેર યાત્રા યોજાઈ હતી.

મોટી પ્રતિમાઓની શોભાયાત્રાઓ સાથે સાથે રહેણાંક સોસાયટીઓમાં પણ આગમન યાત્રાઓ યોજાઈ હતી. સોસાયટીના નાના બાળકો દ્વારા નાની મંગલ મૂર્તિઓની સ્થાપના કરી આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પરિવારો અને ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો.

આ પણ વાંચો