PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ ₹1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ થશે. આ રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, તેમાં ₹537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65 કિમી)નું ડબલિંગ, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇન (40 કિમી)ના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રૉડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આનાથી દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે. તે પ્રાદેશિક આર્થિક એકીકરણને પણ પ્રોત્સાહન આપશે. વધારાની લાઇન ક્ષમતાના કારણે અમદાવાદ-દિલ્હી રૂટ પર વધુ ઝડપે ટ્રેનોનું સંચાલન થશે. આનાથી વધુ પેસેન્જર ટ્રેનો ચલાવવાનો માર્ગ મોકળો થશે અને માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે. આમ, આ પ્રોજેક્ટ્સ ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓને નવી ઊર્જા પ્રદાન કરશે.
બેચરાજી-રણુંજ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝન નેશનલ લૉજિસ્ટિક્સ પૉલિસી અને પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ફૉર મલ્ટિમૉડલ કનેક્ટિવિટી અનુસાર કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય લૉજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનો અને ગુજરાત રાજ્યના લૉજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં વધુ સુધારો કરવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આ પહેલ ઉત્તર ગુજરાતની સામાજિક-આર્થિક પ્રગતિને વધુ વેગ આપશે. આ ઉપરાંત, તે ભારતના લૉજિસ્ટિક્સ અને રેલવે ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે.
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનું પણ ઉદ્ઘાટન કરશે. કટોસણ-સાબરમતી રોડ નવી ટ્રેન સેવાના કારણે પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવાની સુવિધા મળશે, સાથે તે સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે. તો બેચરાજીથી શરૂ થતી કાર-લોડેડ માલગાડી ટ્રેન રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને મજબૂત કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આનાથી લૉજિસ્ટિક્સ નેટવર્કનો વિસ્તાર થશે અને રોજગારની નવી તકો ઊભી થશે. આ બંને રેલ સેવાઓ આ પ્રદેશને પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને હાઇ સ્પીડ પરિવહન વિકલ્પ પ્રદાન કરશે. આનાથી માત્ર મુસાફરીનો સમય જ નહીં બચે, પરંતુ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ બધા રેલવે પ્રોજેક્ટ્સ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફનો માર્ગ મોકળો કરશે.