Himanshu Thakkar AAP News: આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમના સભ્ય, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર ઉપાધ્યાય, ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ રાકેશ મહેરીયા સાથે સાથે AAP નેતા યુનીસ મનસુરી અને હરિભવન પાંડે સહીત સભ્યોએ આજે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઇન્ડોર સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી અને ત્યાંની ગંભીર પરિસ્થિતિને જાણી. ત્યારબાદ પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે, આજે અમે જનતાનો ટેક્સના લાખોના કરોડોના ખર્ચે બનાવેલો જાજરમાન સ્વિમિંગ પુલ જર્જરિત હાલતમાં જોયો. અહીંના સ્ટાફે અમને જણાવ્યું કે છ સાત વર્ષથી આ સ્વિમિંગ પૂલ બન્યો છે પરંતુ ક્યારેય કોઈ અહીંયા સ્વિમિંગ કરવા આવ્યું નથી. જ્યાં આજ સુધી હજારો વિદ્યાર્થીઓને તરવૈયા બનાવી શક્યા હોત અને ઓલમ્પિક્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ જેવી ગેમ્સમાં વિદ્યાર્થીઓનું કૌશલ્ય નિખારી શક્યા હોત પરંતુ કમનસીબે સાત સાત વર્ષ થયા છતાં પણ વિદ્યાર્થીઓને આ તક મળી નથી અને આટલો મોટો સ્વિમિંગ પૂલ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે જ બનાવ્યો હતો કે શું તે એક મોટો સવાલ છે?

ગુજરાતના વિકાસ માટે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે જે પણ રમતગમત કે કલાની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે તેનો લાભ કોઈ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો જ નથી. આ સ્વીમીંગ પુલ કોના માટે બનાવ્યો છે અને આજ સુધી આ સ્વિમિંગ પૂલથી કોને ફાયદો થયો છે તે જવાબ ભાજપે આપવો પડશે. પરંતુ હકીકતમાં ગુજરાતની જનતાને જવાબ આપી શકે તેવી સ્થિતિમાં ભ્રષ્ટ ભાજપ રહી નથી. પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ થયું હોવા છતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડૂબી રહ્યું હોય તેવી પરિસ્થિતિ અને લાચારી સમગ્ર ગુજરાત માટે ઊભી થઈ છે. ફક્ત અને ફક્ત ફોટા પાડવા તાયફાઓ કરવા અને જાહેરાતો કરવી એ જ ભ્રષ્ટ ભાજપનું મુખ્ય કાર્ય બની રહ્યું છે. અગાઉ પણ સી પ્લેન ચાલુ કર્યું, ઝીપ લાઇન ચાલુ કરી, હેલિકોપ્ટર રાઇડ ચાલુ કરી, રિવર ક્રુઝ બનાવી… ફક્ત અને ફક્ત પ્રજાની વાહવાહી લૂંટી અને પછી એમાંની મોટાભાગે સુવિધાઓ બંધ થઈ ગઈ અથવા તો બંધ થવાની આરે છે. આ ભ્રષ્ટ ભાજપના શાસકોને જનતાની કંઈ જ પડી નથી તેનો ઉત્તમ નમૂનો આજે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સ્વિમિંગ પૂલમાં દેખાયો.