Gujarat News: દિલ્હી પોલીસ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની તપાસ કરી રહી છે. આ તપાસ ગુજરાતના રાજકોટ સુધી પહોંચી છે. આ સનસનાટીભર્યા કેસમાં નવો વળાંક લાવતા દિલ્હી પોલીસે આરોપી રાજેશ ખીમજીના મિત્રને રાજકોટથી અટકાયતમાં લીધો છે. સૂત્રોનું માનીએ તો આ મિત્રએ રાજેશને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જેનાથી તપાસ વધુ ઘેરી બની છે. આ ઉપરાંત પોલીસે રાજેશના ફોન પરથી આવા 10 લોકોની ઓળખ કરી છે, જેઓ કોલ અને ચેટ દ્વારા તેના સંપર્કમાં હતા. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ કોઈ સુનિયોજિત કાવતરું હતું.
રાજકોટથી દિલ્હી સુધી પોલીસ તપાસ
દિલ્હી પોલીસે ગુરુવારે મોડી રાત્રે રાજકોટમાં દરોડો પાડ્યો અને રાજેશના એક નજીકના મિત્રની અટકાયત કરી. આ વ્યક્તિ જે ઓટો ડ્રાઈવર હોવાનું કહેવાય છે. કથિત રીતે રાજેશને પૈસા મોકલતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિત્રને આજે સાંજ સુધીમાં દિલ્હી લાવવામાં આવશે. જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. શું આ પૈસા હુમલાના કાવતરાનો ભાગ હતા? પોલીસ આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
10 શંકાસ્પદો પર નજર, ફોન ડેટા રહસ્ય ખોલશે
રાજેશના મોબાઇલ ફોનમાંથી મળેલા ડેટાના આધારે પોલીસે ૧૦ લોકોની ઓળખ કરી છે. જેઓ તેના નિયમિત સંપર્કમાં હતા. આમાંથી કેટલાક કોલ અને ચેટ દ્વારા રાજેશ સાથે જોડાયેલા હતા. દિલ્હી પોલીસ હવે આ બધા લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે. પોલીસે આ પાંચ લોકોના નિવેદનો નોંધવા માટે રાજકોટ એક ખાસ ટીમ મોકલી છે. મોબાઇલ ડેટાની ફોરેન્સિક તપાસ પણ શરૂ થઈ ગઈ છે, જેનાથી આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
ઓટો ડ્રાઇવરે પૈસા કેમ આપ્યા?
કસ્ટડીમાં લેવાયેલા રાજેશના મિત્ર, જે ઓટો ડ્રાઇવર છે, તેણે રાજેશને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ છે. દિલ્હી પોલીસ આ પૈસાના ટ્રેલની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પૈસા કયા હેતુ માટે મોકલવામાં આવ્યા હતા? શું તે હુમલાની યોજનાનો ભાગ હતો? પોલીસ આ મિત્ર અને અન્ય શંકાસ્પદોની પૂછપરછ કરીને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે રાજેશ એકલો હતો કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું.
રાજેશની વાર્તા: સત્ય કે અસત્ય?
રાજકોટના રહેવાસી આરોપી રાજેશ ખીમજીએ પોલીસને જણાવ્યું હતું કે તે દિલ્હીમાં ત્રણ લાખ રખડતા કૂતરાઓના જીવ બચાવવા માટે મુખ્યમંત્રીને મળવા માંગે છે. તેણે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં લઈ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ તેની વાર્તા પર વિશ્વાસ કરવાના મૂડમાં નથી. પોલીસ રાજેશના મિત્રો અને સંબંધીઓની પૂછપરછ કરીને તેના નિવેદનોની સત્યતા ચકાસી રહી છે.