Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025ની ઉજવણી અન્વયે બુધવાર, 20મી ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાનારા સહકારી અગ્રણીઓના વર્કશોપની અધ્યક્ષતા કરશે.
2025નું આ વર્ષ “કો-ઓપરેટિવ્સ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અન્વયે સહકારી ક્ષેત્રના સમાવિષ્ટ, ટકાઉ અને સ્થિતિસ્થાપક માળખા તથા સંગઠનોના નિર્માણનો ધ્યેય રાખવામાં આવેલો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં “સહકાર સે સમૃદ્ધિ”ના મંત્ર સાથે આ આંતરરાષ્ટ્રિય સહકારી વર્ષની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના સંદર્ભમાં રાજ્ય સરકારના સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ વર્કશોપનું આયોજન થયું છે.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બુધવાર, 20 ઓગસ્ટના સવારે 11:00 કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજનાર આ વર્કશોપમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સહકાર-રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.
એટલું જ નહીં, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી પણ આ વર્કશોપમાં સહભાગી થશે.
આ એક દિવસીય વર્કશોપમાં રાજ્યભરની જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોના ડિરેક્ટરશ્રીઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ડિરેક્ટરશ્રીઓ તેમજ ગુજકોમાસોલ અને ખેતીબેંકના નિયામકશ્રીઓ અને રાજ્યના સહકારી અગ્રણીઓ પણ જોડાશે.