હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ, ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યા છે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને દાદરા-નગર હવેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઍલર્ટ સાંજે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે.

તે ઉપરાંત નવસારી, સુરત, ભરુચ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગ મુજબ હાલમાં રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની તીવ્રતા વધી છે. આગામી 24 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને આજે અને 20 ઑગસ્ટે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 22 ઑગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે અને માર્ગ વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો