Rajasthan: રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં શ્રદ્ધાળુઓથી ભરેલું વાહન ટ્રક સાથે અથડાયું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. શ્રદ્ધાળુઓ મંદિરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો. શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે 11 લોકોએ જીવ ગુમાવ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધાળુઓ એક પિકઅપ પર સવાર હતા, જે ટ્રક સાથે અથડાઈ. આ ઘટનામાં એક ડઝન લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગંભીર રીતે ઘાયલોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. બધા શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે. એસપી સાગર રાણાએ જણાવ્યું હતું કે ખાટુ શ્યામ મંદિરથી આવતા શ્રદ્ધાળુઓના અકસ્માતની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. લગભગ 7-8 લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
દૌસાના ડેપ્યુટી એસપી રવિ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં કુલ ૧૧ લોકોના મોત થયા છે. મૃતકોમાં ૭ બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરતી વખતે રાત્રે આ અકસ્માત થયો હતો. આ બધા ઉત્તર પ્રદેશના અસરૌલીના રહેવાસી હતા.