Himanshu Thakkar AAP: અમદાવાદને અડીને આવેલા વેપારી નગર તરીકે જાણીતા બાવળામાં એક જ વરસાદમાં અનેક સોસાયટીઓ ઔદ્યોગિક એરીયા અને ઝૂંપડપટ્ટીના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. જેના કારણે અમદાવાદથી આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ, શિક્ષણ સમિતિના પ્રમુખ જીતુ ઉપાધ્યાય, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, અમદાવાદ શહેર શિક્ષણ સેલ પ્રમુખ જીગર વાઘેલા, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ અને મહિલા આગેવાન ગૌરી દેસાઈ, બાવળા શહેરના આમ આદમી પાર્ટીના આગેવાનો જીતુ ઠક્કર, સંદીપ રબારી તથા અન્ય સાથીઓએ પાણીમાં ગરકાવ થયેલા વિસ્તાર અને અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટે જણાવ્યું હતું કે, ભાજપની કુવ્યવસ્થાના અને ભ્રષ્ટાચારના કારણે બાવળામાં નવનિર્મિત નદીનું નિર્માણ થયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. લોકો પહેરેલા કપડે પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા. ગુજરાત મોડલના નામે વિકાસના બણગાં ફુંકતી ભાજપ સરકાર પોતાના ગઢ ગણાતા વિસ્તારમાં પણ લોકોને સંતોષ આપી શકતી નથી.

આમ આદમી પાર્ટીના સ્થાનિક સંઘર્ષના સાથીઓએ લોકોની વહારે જઈ લોકોની મદદ કરી. આમ આદમી પાર્ટીની “પોલ ખોલ ટીમ” પણ બાવળામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, બળીયાદેવ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી, કાચા મકાનો તેમજ નિઃસહાય હાલતમાં કોમ્યુનિટી હોલમાં શરણ પામેલા પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. પરિવારના લોકોએ તેમની હૈયાવરાળ ઠાલવી અને જણાવ્યું કે શહેરમાં જ્યાં ગન્નાડુ બનતું હતું ત્યારે પણ વિરોધ કરેલો કે પાણીના વહેણની જગ્યાએ આ ખોટું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે પ્રદેશ મહિલા ઉપપ્રમુખ અને મહિલા આગેવાન ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે વિકાસના બદલે વિનાશ વેરી અને ભાજપે લોકોની લાગણીનો અને લોકોની વાતોનો છેદ ઉડાડ્યો જેની સજા બાવળાની બિચારી પ્રજા ભોગવી રહી છે. ગયા વર્ષે પણ બે ચાર ભાજપના નેતાઓ આવી અને વાયદા વચન આપી ગયેલા અને વળતરની પણ મોટી મોટી વાતો કરી ગયેલા પણ કોઈને પણ રાતી પાઇ પણ મળી ન હોવાનું આ પરિવારોએ જણાવ્યું હતું અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.