Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan GadhviIsudan Gadhviએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટીનું પ્રદેશથી લઈને બુથ લેવલનો સંગઠન ગુજરાત જોડો અભિયાનમાં જોડાશે. પહેલી ઓગસ્ટથી પ્રદેશના હોદ્દેદારો, લોકસભા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના તમામ લીડરો આગામી બે મહિના સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વોર્ડની મીટીંગો કરશે અને સમગ્ર ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ કરશે. સમગ્ર ગુજરાતમાં કુલ 2000 જેટલી સભાઓ કરવામાં આવશે. સાથે સાથે જે લોકોના પ્રશ્નો છે જેમ કે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા અને જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને પણ આ સભામાં ઉઠાવવામાં આવશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ એક આહવાન કર્યું હતું કે વધુમાં વધુ યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય કારણકે ભાજપ અને કોંગ્રેસ યુવાઓને તક નહીં આપે, માટે અમે ઈચ્છીએ છીએ કે જે લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માંગતા હોય તેવા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. આ બે મહિના સુધી ચાલનારા કાર્યક્રમમાં લાખો ગુજરાતીઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. જે લોકો ગુજરાત સરકારની ભ્રષ્ટ સિસ્ટમથી થાકી ગયા છે, ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી અને ધાકધમકીથી થાકી ગયા છે એવા તમામ લોકોને અમે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ. હું યુવાનોને પણ અપીલ કરીશ કે બે-અઢી મહિના સુધી ચાલનારા અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય. આ બે મહિના દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ 15 દિવસથી એક મહિના સુધી એમ અલગ અલગ જિલ્લાઓમાં ટુર કરશે અને સભાઓમાં ભાગ લેશે.