Gopal Italia ON BJP Gujarat: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ ધારાસભ્ય પદ પર ચૂંટાયા બાદ પ્રથમ વખત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાજરી આપી. આ સામાન્ય સભામાં ધારાસભ્ય Gopal Italiaએ ઘણા મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા હતા અને આ મુદ્દા પર તેમણે વિસ્તૃત રીતે વાત કરતાં જણાવ્યું કે જિલ્લા પંચાયતની મારી પ્રથમ સામાન્ય સભાની બેઠકમાં 15 મહત્વપૂર્ણ એજન્ડાઓ પર અમે ચર્ચા કરી છે. તેમાં મારી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને આ બાબતે મેં લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને સામાન્ય સભામાં ફરિયાદ પણ કરી. જેમાં WBM રોડ નવી ચાવડથી જૂની ચાવડમાં 16 લાખ 21 હજાર રૂપિયાનો બનાવવાનો હતો, પરંતુ તેનું બિલકુલ કામ થયું નથી અને તેનું સંપૂર્ણ પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. આવું એક નહીં પરંતુ અનેક ગામોમાં બન્યું છે જ્યાં લાખો રૂપિયાના પેમેન્ટ થઈ ગયા છે, પરંતુ કામ થયા નથી. આ સિવાય વિસાવદરના હરીપુર ગામમાં તળાવ ઊંડું કરવા માટે 20 લાખ 36 હજાર રૂપિયાનું ફંડ ફાળવાયું હતું, પરંતુ તેનું કોઈ કામ થયું નથી અને બિલ ચૂકવાઈ ગયા છે. આ જ રીતે અનેક ગામમાં તળાવ ઊંડું કરવા અને કોઝવે બનાવવા માટે લાખો રૂપિયાના પેમેન્ટ થઈ ગયા છે, પરંતુ કોઈ કામ થયા નથી. ઘણી જગ્યાએ ફક્ત ફોટા પાડવામાં આવ્યા છે, ફક્ત બતાવવા માટે અને બિલ પાસ કરવા માટે.

અનેક ગામોમાં અમૃત સરોવર બનાવવા માટે પેવર બ્લોક નાખવાની યોજનામાં પણ લાખો રૂપિયાના બિલ પાસ થઈ ગયા છે, પરંતુ કોઈ કામ થયું નથી. ઘણી જગ્યાએ પેવર બ્લોક નાખવામાં આવ્યા નથી, કેટલીક જગ્યાએ થોડાક નાખવામાં આવ્યા છે અને ઘણી જગ્યાએ હલકી અને ખરાબ કક્ષાના પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. ઘણા ગામોમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડ તૂટી ગયા છે. રમતગમતના મેદાનમાં પણ મેદાન બનાવવાની જગ્યાએ થોડી માટી નાખીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ બધા આંકડા એવા છે જે કામ લોકો સ્વેચ્છાએ મારી પાસે આવીને જણાવ્યું છે. આ ભ્રષ્ટાચારનો આંકડો કરોડો રૂપિયા સુધી જાય છે. જો મનરેગાની યાદીની સંપૂર્ણ માહિતી મળે તો જાણ થઈ શકે કે ભ્રષ્ટાચાર કઈ હદે થાય છે. આ મુદ્દે માહિતી મેળવવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રમુખને મેં રજૂઆત કરી છે. અનેક કામોને પહેલાં મંજૂરી આપવામાં આવે છે પરંતુ ઘણા સમય સુધી શરૂ કરવામાં આવતું નથી અને અંતે એ કામ રદ કરીને બીજું કામ મંજૂર કરવામાં આવે છે.

ભાજપ બધી જગ્યાએ બહુમતીમાં છે એટલા માટે તેઓ પોતાની ઈચ્છા મુજબ કામ કરાવે છે, પરંતુ જરૂરી અને ભ્રષ્ટાચાર વગર કામો થવા જોઈએ, એ થતા નથી. સામાન્ય સભાઓમાં ચૂંટાયેલા સભ્યો શું કામ કરતા હોય છે તેની જનતાને જાણ હોતી નથી કારણ કે અત્યાર સુધી ભાગબટાઈની પ્રક્રિયા થતી રહી છે. પણ હું આવું માનતો નથી. મેં આ બેઠકમાં અનેક સવાલો પૂછ્યા હતા, પરંતુ મને સંતોષકારક જવાબો મળ્યા નથી. અનેક કામોમાં મુદતો વધારવામાં આવે છે અને નક્કી કરેલા સમયમર્યાદા મુજબ કામ પૂરું થતું નથી. હકીકતમાં એજન્સી અને રાજકીય લોકોને માટે આ ભ્રષ્ટાચાર કરવાનો એક માર્ગ છે – આ મુદ્દે પણ મેં વાંધો ઉઠાવ્યો છે. આ બેઠકમાં મારી સાથે ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણરામ, સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા અને આમ આદમી પાર્ટીના આગેવાન પ્રવીણભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને બંનેએ માર્ગદર્શન આપ્યું. હું જનતાને કહેવા માગું છું કે જનતાએ પોતાના ચૂંટેલા જન પ્રતિનિધિઓને વારંવાર સવાલ કરવો પડશે. નહિંતર જો જનતા સવાલ નહીં કરે તો આ લોકો મળીને બહુમતીના આધારે કામ મંજૂર કરી દેશે અને એ લોકો પૈસાવાળા બની જશે જ્યારે મત આપનારા ભિખારી બની જશે.