Vadodara Bridge Accident: રવિવારે વડોદરા જિલ્લામાં ગંભીરા પુલ અકસ્માતમાં આણંદ જિલ્લાના ૧૦ મૃતકોના પરિવારજનોને ૪૦ લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લાના અંકલાવ તાલુકાના બામણગામના ૪, ગંભીરા તાલુકાના ૨, નવાપુરાના ૧, દેવપુરાના ૧ અને બોરસદ તાલુકાના દહેવનના ૨ સહિત જિલ્લામાંથી કુલ ૧૦ લોકોના અકસ્માતમાં મોત થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ અંતર્ગત રવિવારે આણંદના સાંસદ મિતેશ પટેલે જિલ્લાના તમામ ૧૦ મૃતકોના પરિવારજનોને મળ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના કુલ ૧૦ પરિવારોને ૪-૪ લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ, અંકલાવના તહસીલદાર સોમાભાઈ સેંધવ, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.