Isudan Gadhvi Statement: ગતરોજ ગંભીરા બ્રિજ તૂટ્યો હતો અને 11 લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi, પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, વડોદરા લોકસભા પ્રમુખ વીરેન રામી, ઇસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝા અને મહિલા નેતા જાનવીબા ગોહિલે ગંભીરા બ્રિજની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, લાગી રહ્યું છે કે જ્યાં સુધી ભાજપની સરકાર રહેશે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટવાનું બંધ થવાનું નામ નહીં લે. આ બ્રિજ પર અમે ચાલી રહ્યા હતા ત્યારે પણ અમને લાગી રહ્યું હતું કે આ ગમે ત્યારે તૂટી શકે તેમ છે એટલી ખરાબ પરિસ્થિતિમાં બ્રિજ છે. અધિકારીઓ ભાજપની ભાષા બોલી રહ્યા છે અને મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ શરમજનક નિવેદન કરી રહ્યા છે. મંત્રીઓ કહી રહ્યા છે કે “આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું”. એનો મતલબ સ્પષ્ટ છે કે સમારકામમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો જેના કારણે બ્રિજ તૂટ્યો.

હવે ભાજપના રાજમાં મનુષ્યના જીવનની કોઈ કિંમત નથી. મારો સવાલ છે કે આવા બ્રિજ પરથી મુખ્યમંત્રીનો કાફલો કેમ નથી નીકળતો? મુખ્યમંત્રીએ આ સ્થળની વિઝીટ કેમ નથી કરી? જો મુખ્યમંત્રી પોતે વિઝીટ કરશે તો કદાચ તંત્ર જાગશે. ગુજરાતના 11 લોકોનો જીવ ગયો છે તેમ છતાં પણ મુખ્યમંત્રીને અહીંયા આવવાનો સમય નથી મળ્યો. સારું થયું કે ભાજપના લોકોએ કોઈ ડેમ નથી બનાવ્યા અને નહીંતર જો ડેમ બનાવ્યા હોતા લોકોએ તો આજે ગામના ગામ તણાઈ ગયા હોત. ગુજરાતમાં ભાજપ ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી ગયું છે. પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકી રહી છે પરંતુ ભ્રષ્ટાચારના કારણે મોત પણ પ્રજાને મળી રહ્યું છે અને ભાજપના નેતાઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે. અમે ઘણા વિડીયો પણ જોયા કે અગાઉ ઘણા નાગરિકોએ આ બ્રિજની ખરાબ પરિસ્થિતિને લઈને રજૂઆત કરે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા ન હતા જેના કારણે આજે આ ઘટના ઘટી અને 11 લોકોના જીવ ગયા. આ ઘટનાની જવાબદારી લઈને હવે મુખ્યમંત્રીએ અને આ ઘટનામાં જવાબદાર તમામ મંત્રીઓએ પોતાના રાજીનામાં આપી દેવા જોઈએ. કારણ કે આ ફુલ ટાઈમ મુખ્યમંત્રી મંત્રીઓ છે જ નહીં આ લોકો ફક્ત પોતાના ધંધા કરવામાં માને છે.