Gopal Italia Statements: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Gopal Italiaએ એક અત્યંત ગંભીર મુદ્દ પર મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરની ૧ સોસાયટીમાં એક મહિલા ગર્ભવતી હતા, તેમની ડિલિવરીનો સમય આવી ગયો હતો પરંતુ અત્યંત ખરાબ રોડ, ખાડા અને ભયંકર કિચડના કારણે એમ્બ્યુલન્સ તેમના ઘર સુધી આવી શકી નહીં અને ખરાબ રોડ પર જ એ મહિલાની ડિલિવરી થઈ ગઈ. આ ઘટના બાદ સોસાયટીની તમામ મહિલાઓ અને સાથે સાથે પુરુષોમાં પણ ખૂબ જ આક્રોશ આવ્યો. ત્યારબાદ સ્વયંભૂ લોકો એકઠા થયા કારણ કે આ વાત ખૂબ જ ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ એકઠા થયેલા લોકોમાંથી એક વ્યક્તિએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશ કોટેચાને ફોન કર્યો અને સમગ્ર મામલા વિશે જણાવ્યું અને મદદ માંગી. ત્યારબાદ કમલેશભાઈએ આ બધી વાત સાંભળ્યા બાદ તંત્રને આ મુદ્દા પર જાણ કરી અને લોકોના ગુસ્સાને શાંત કરવાનું કામ કર્યું. ત્યારબાદ તમામ ભેગા થયેલા લોકો સ્વયંભૂ છૂટા પડ્યા.
ત્યારબાદ સુરેન્દ્રનગરની પોલીસે અનેક લોકો પર ટોળું એકઠું કરીને રોડ રોકવા બાબતે ગુનો દાખલ કર્યો અને ધરપકડ કરવાનો આદેશ કર્યો. ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, હું પોતે અને વિક્રમભાઈ દવે સહિતના લોકોએ ડીવાયએસપીને રજૂઆત કરી અને કહ્યું કે આ કઈ હદની તાનાશાહી છે કે રોડ ન હોવાના કારણે એક મહિલાની રોડ પર ડિલિવરી થઈ ગઈ અને તેના આક્રોશમાં જે લોકો એકઠા થયા તે લોકોની ધરપકડ કરવાના ઓર્ડર આપો છો. એમાં પણ ટોળાંમાં એકઠી થયેલી ઘણી મહિલાઓ ઉપર પણ FIR કરવામાં આવી છે. તો આ બાબતે અમે ડીવાયએસપીને રજૂઆત કરી છે અને અધિકારીઓએ અમને સરકારી જવાબ આપ્યો છે. સરકારી જવાબ કરતા હવે જનતાનો આત્મા જાગે એ વધુ જરૂરી છે. અવાજ ઉઠાવનાર લોકો પર 307 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે. માટે લોકોનો આત્મા જાગે અને તેઓ પોતાની જાતને સવાલ પૂછે કે એક બહેનની ડિલિવરી રોડ ઉપર થાય તે ગુજરાત માટે શું વ્યાજબી છે?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીરે ધીરે આગળ વધી રહી છે એટલા માટે આમ આદમી પાર્ટી ભાજપની આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. ચૈતરભાઈ વસાવા જેવા એક સામાન્ય આદિવાસી પરિવારના વ્યક્તિ ચૂંટણી જીતી ગયા એ વાત ભાજપને ખટકતી હતી. હજુ એ વાતની પીડા ઓછી નથી થઈ ત્યાં ગોપાલ ઇટાલીયા વિસાવદરથી ચૂંટણી જીતી ગયા એ વાતથી હવે ભાજપવાળા લોકો રઘવાયા થયા છે અને ઉશ્કેરાટમાં આવી ગયા છે અને હવે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે. રોજે રોજ અનેક નેતાઓ પર FIR-FIRની રમતો ચાલી રહી છે. પરંતુ હું ભાજપના લોકોને એટલું જ કહેવા માંગીશ કે જો એફઆઇઆર કરવાથી ક્રાંતિ રોકાઈ જતી હો તો યાદ રાખવું જોઈએ કે ગાંધીબાપુ ઉપર પણ એફઆઇઆર થઈ હતી છતાં પણ આ દેશમાં આઝાદી આવી છે. તો ભાજપે યાદ રાખવું જોઈએ કે કોઈપણ પ્રકારની FIRથી ક્રાંતિ રોકાતી નથી અને ભાજપના લોકોને ભગવાન હવે સદબુદ્ધિ આપે તેવી હું પ્રાર્થના કરું છું.