PMFME: એક કૃષિપ્રધાન દેશ તરીકે ભારત પાસે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર બનવાની ઉજળી તકો રહેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રાથમિકતા આપતાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે પૈકી એક મહત્વની યોજના છે- પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME) યોજના. 29 જૂન, 2020ના રોજ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા PMFME યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ નાના, અસંગઠિત ફૂડ પ્રોસેસિંગ એકમોને નાણાંકીય સહાય, તકનીકી તાલીમ અને વ્યવસાય સંબંધિત સહાય પૂરી પાડીને તેમનું અપગ્રેડેશન અને ફોર્મલાઇઝેશન (સંસ્થાકીયકરણ) કરવાનો છે. ગુજરાતમાં આ યોજનાના કુલ 675 લાભાર્થીઓ છે.
PMFME યોજના અંતર્ગત નાના ખાદ્ય ઉદ્યોગોને પ્રોજેક્ટ ખર્ચ પર મળે છે 35% સબસિડી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે PMFME યોજનાનું સફળ અમલીકરણ કરીને 675 લાભાર્થીઓને જોડ્યા છે. રાજ્યએ કેન્દ્રીય સમર્થન દ્વારા વધુ સારી ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને નાના ફૂડ પ્રોસેસિંગ એકમોના વિકાસને આગળ ધપાવ્યો છે અને નવા બજારોમાં તેમનો પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે. આ પ્રયાસો વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત છે અને સમાવેશી આર્થિક વિકાસ માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, PMFME યોજના અંતર્ગત નાના ખાદ્ય વ્યવસાયોને પ્રોજેક્ટ ખર્ચ પર 35% સબસિડી (₹10 લાખ સુધી), સ્વ-સહાય જૂથોના દરેક સભ્ય માટે ₹40,000નું પ્રારંભિક ભંડોળ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે 50% સહાય અને ટેક્નિકલ અને વ્યવસાયિક કૌશલ્યમાં તાલીમ આપવામાં આવે છે.
PMFME યોજનાની મદદથી નવસારીની સુરભી વેફર્સ સાત દેશોમાં પહોંચી
PMFME યોજના કેવી રીતે લોકોના જીવનમાં પરિવર્તનનું માધ્યમ બની છે, તેનું એક ઉદાહરણ છે- સુરભી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ. ગુજરાતના નવસારીના લલિત ઠુમ્મરે એક રસોડામાં શરૂ કરેલો બિઝનેસ હવે સીમાડાઓ વટાવી ગયો છે. લલિતભાઈ પહેલાં ઘરે 1-2 કિલો વેફર્સ બનાવતા અને વેચતા. PMFMEની મદદથી આ બિઝનેસ એટલો વિસ્તર્યો કે, હવે સાત દેશોમાં દરરોજ 1.5 ટન બનાના વેફર્સની નિકાસ થાય છે. આ યોજના હેઠળ લલિતભાઈને પીલિંગ, સ્લાઇસિસ અને ફ્રાઇંગ માટેના ઑટોમેટેડ મશીન દ્વારા વધુ ઉત્પાદન કરવાની તક મળી, જેનાથી સ્વચ્છતા, એકસરખી ગુણવત્તા, લાંબી શેલ્ફલાઇફ સાથે તાજા કેળાની દરરોજની પ્રોસેસિંગની ક્ષમતા 6 ટન સુધી ગઈ અને કંપની માટે આંતરરાષ્ટ્રીય બજારોના દરવાજા ખુલી ગયા. આજે, સુરભી વેફર્સ એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વમાં તેના સ્વાદ માટે જાણીતી બની છે. એટલું જ નહીં, બિઝનેસનું વિસ્તરણ થવાથી સ્થાનિક રોજગારીનું પણ સર્જન થયું છે.
PMFMEના કારણે બકુલેશ ડી. નાગર પોતાના બિઝનેસનું વિસ્તરણ કરી શક્યા
અમદાવાદના જ ઑન્ટ્રપ્રિન્યોર બકુલેશ ડી. નાગર પ્રોટીન પાવડર અને એનર્જી ડ્રિંક્સની તેમની રેન્જ માટે જાણીતાં છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત લોકો અને ફિટનેસ સેન્ટરોમાં તેમણે બનાવેલા પ્રોટીન પાવડર અને એનર્જી ડ્રિંક્સ લોકપ્રિય તો બન્યા, પણ વધતી જતી બજાર માંગને પહોંચી વળવા માટે તેમના વ્યવસાયનું વિસ્તરણ કરવાની જરૂર પડી. PMFME યોજના હેઠળ, તેમને નિષ્ણાંત માર્ગદર્શન અને 35% ક્રેડિટ-લિંક્ડ કૅપિટલ સબસિડી મળી, જેના કારણે તેઓ આધુનિક મશીનરી અને અદ્યતન પૅકેજિંગ સોલ્યુશન્સ સાથે તેમની ઉત્પાદન સુવિધાને અપગ્રેડ કરી શક્યા. પરિણામે ઉત્પાદનની ગુણવત્તા, કાર્યક્ષમતા અને બ્રાન્ડ વેલ્યૂમાં નોંધપાત્ર વધારો થયો.
10×10 ચો. ફૂટ ભાડાની દુકાનથી શરૂ થયેલી ઘનશ્યામ ફ્લોર મિલની આજે ત્રણ ફેક્ટરીઓ અને આઠ રિટેલ આઉટલેટ્સ
સુરતના મયુર વઘાસિયા પડકારોને તકોમાં પરિવર્તિત કરવામાં માને છે અને તેમના આ જુસ્સાને PMFME યોજનાનો મોટો સપોર્ટ મળ્યો. માત્ર ત્રણ લોકો સાથે 10×10 ચોરસ ફૂટ ભાડાની દુકાનથી શરૂ થયેલી ઘનશ્યામ ફ્લોર મિલ આજે ત્રણ ફેક્ટરીઓ, આઠ રિટેલ આઉટલેટ્સ સાથે 40 લોકોને રોજગાર પૂરો પાડતો બિઝનેસ બની ગયો છે. 1998માં બિઝનેસ શરૂ કરનારી ઘનશ્યામ ફ્લોર મિલ ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ઇડલી અને ઢોકળાનો લોટ સહિત 52થી વધુ પ્રકારના લોટ બનાવે છે અને આ તમામ પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે.
સફળ બિઝનેસના આવા અઢળક દાખલા એ દર્શાવે છે કે, PMFME યોજના ફક્ત આ વ્યક્તિઓને જ સશક્ત નથી બનાવી રહી, પરંતુ સાથે મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતનો પાયો પણ નાખી રહી છે.