Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ પર્યાવરણ પ્રેમી નાગરિકો-સ્વૈચ્છિક સંસ્થાઓના સતત સહયોગથી’વનરાજીમાં પણ ગુજરાત વધુ રાજી’ થયું છે.

 તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા- FSI ૨૦૨૩ના અહેવાલ મુજબ ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ  ૨૪૧.૨૯ ચો.કિ.મીના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે, તેમ વન વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

 વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં  FSI-૨૦૨૩ના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એમ બંને મળીને કુલ ટ્રી કવર  ૨.૮૦ ટકા હતું, જે વર્ષ ૨૦૨૩માં વધીને  ૩.૩૮ ટકા થયું હતું. જ્યારે વર્ષ  ૨૦૨૧માં રાજ્યનું કુલ ગ્રીન કવર ૧૦.૪૧ ટકા હતું જે વધીને વર્ષ  ૨૦૨૩માં ૧૧.૦૩ ટકા થયું છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે.

વધુમાં ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ -૨૦૨૩ પ્રમાણે ગુજરાતમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા ૨૧,૮૭૦ વર્ગ કિ.મી. એટલે કે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૧.૧૪ ટકા છે.જ્યારે ફોરેસ્ટ કવર ૧૫,૦૧૬.૬૪ વર્ગ કિ.મી. એટલે કે ૭.૬૫ ટકા અને ટ્રી કવર ૬૬૩૨.૨૯ વર્ગ કિ.મી. એટલે ૩.૩૮ ટકા છે. આમ રાજ્યનું કુલ ગ્રીન કવર ૨૧,૬૪૮.૯૩ વર્ગ કિ.મી.એટલે કે ૧૧.૦૩ ટકા છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં શરૂ થયેલું ‘એક પેડ માં કે નામ’અભિયાન અંતર્ગત દેશમાં ઉત્તરપ્રદેશ 

બાદ બીજા નંબરે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ૧૭.૪૮ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૫ દરમિયાન ‘એક પેડ માં કે નામ’ ૨.૦ અંતર્ગત વૃક્ષ વાવેતરની કામગીરી પ્રગતિમાં છે.

 આ સિવાય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના રોજ ‘ગ્રીન અરવલ્લી પ્રોજેક્ટ’નો‌ પણ શુભારંભ કરવામાં આવ્યો છે.‌ગુજરાતમાં સામાજિક વનીકરણ ક્ષેત્રે વનકવચ, હરિત વનપથ, પંચવટી ગ્રામ વાટિકા અને અમૃત સરોવરના ફરતે વાવેતરની યોજનાઓ તેમજ પી.પી.પી મોડેલ હેઠળ સદભાવના ટ્રસ્ટ મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં રાજ્યના ટ્રી કવરમાં વધુ વધારો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રીય વન નીતિ

૧૯૮૮ મુજબ દેશમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એટલે કે ગ્રીન કવર કુલ ભૌગોલિક વિસ્તારના ૩૩ ટકા હોવું જોઇએ. દેશ અને રાજ્યોના ફોરેસ્ટ કવર અને ટ્રી કવરનું આંકલન પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય અંતર્ગત ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, દહેરાદૂન દ્વારા કરીને દર બે વર્ષે અહેવાલ કરવામાં  પ્રસિદ્ધ કરવામાં આવે છે.જે પ્રમાણે દેશમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરીયા ૭,૭૫,૩૭૭ વર્ગ કિ.મી.છે,જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના ૨૩.૫૯ ટકા છે. જ્યારે ફોરેસ્ટ કવર ૭,૧૫,૩૪૨.૬૧ વર્ગ કિ.મી. એટલે કે ૨૧.૭૬ ટકા અને ટ્રી કવર ૧,૧૨,૦૧૪.૩૪ વર્ગ કિ.મી.એટલે ૩.૪૧ ટકા છે. આમ દેશનું કુલ ગ્રીન કવર ૮,૨૭,૩૫૬.૯૫ વર્ગ કિ.મી.એટલે કે ૨૫.૧૭ ટકા છે તેમ,અહેવાલમાં જણાવાયું છે.