Monsoon: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં સુરતના બારડોલી અને પલસાણા, કચ્છના નખત્રાણા અને ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વ્યારા, વાંસદા, બાલાસિનોર, વઘઇ અને મેઘરજમાં ૩-૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૮ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૩૦ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. 

આજે, તા. ૦૭ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૨૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૦.૮૨ ટકા, કચ્છ વિસ્તારમાં ૫૦.૩૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૫.૪૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૪.૧૧ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૪૧.૩૧ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૪૮.૧૫ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૫૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૩૧ ડેમ હાઇ એલર્ટ, ૧૯ ડેમ એલર્ટ અને ૧૮ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૪,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૬૮૪ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૩ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ ૦૨ NDRFની તેમજ ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.

વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૦૭ થી ૧૦, જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.