Ahmedabad Jal Yatra: આજે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે આજે જળયાત્રા નીકળી છે. જળયાત્રામાં જોડાયેલા લોકોનો ઉત્સાહ સમાતો નથી. સાબરમતી નદીના પવિત્ર જળથી ભગવાનનો મહાભિષેક કરવામાં આવશે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ સાધુ સંતો જોડાશે. જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે. 108 કળશની આ યાત્રા મંદિર પહોંચશે. બાદમાં બળદેવ, ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેનનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવશે. જળયાત્રા બાદ ભગવાનાનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને ગજવેશ પહેરાવીને શૃંગાર કરવામાં આવશે.

જળયાત્રા ભગવાન જગન્નાથજીની ૧૨ યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે. જગન્નાથ મંદિરથી શરૂ થનારી આ યાત્રા ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાથી ભરી હોય છે. મંદિરથી નિકળી જળયાત્રા સાબરમતી નદીના તટે આવેલ સોમનાથ ભૂદરના આરે પહોંચશે.

આ ધાર્મિક વિધિમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિતિ આપશે. યાત્રા સ્થળે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવશે અને પરંપરાગત રીતે 108 કળશમાં પવિત્ર જળ ભરી લેવામાં આવશે. આ જળનો ઉપયોગ ભગવાન જગન્નાથજીના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળાભિષેક માટે કરવામાં આવશે.

જળાભિષેક બાદ ભગવાન ભવ્ય નાથગજ વેશ ધારણ કરી ભક્તોને દર્શન આપશે. ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે અને સાથે અનેક ભજન મંડળીઓ પણ ભક્તિભાવથી યાત્રામાં જોડાશે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભાગ લેવાય છે અને સમગ્ર યાત્રા દરમિયાન શહેરમાં ભક્તિનો માહોલ છવાઈ જાય છે.