કડી વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓ અંતર્ગત આજ રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ખેડૂત હિતોના નિડર વક્તા Isudan Gadhaviએ કડી શહેરમાં પક્ષના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું. આ કાર્યાલય આગામી ચૂંટણીના સંગઠનાત્મક આયોજન અને જનસંપર્ક માટે કેન્દ્ર તરીકે કામ કરશે. ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર ઝોનના પ્રભારી રાજેશ શર્મા, સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવ ચાવડા સહીત પ્રદેશના મુખ્ય નેતાઓ અને સ્થાનિક હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિક્રમજનક માર્જિનથી જીતે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhaviએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ વિસાવદર અને કડીની બે પેટા ચૂંટણીઓ આવી રહી છે અને આમ આદમી પાર્ટી આ બંને ચૂંટણીઓ લડી રહી છે. વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા ચૂંટણી લડી રહ્યા છે. કડીમાં પણ અમે ઉમેદવાર ઊભા રાખીશું કારણકે ભાજપે કડીમાં કોઈ વિકાસ કર્યો નથી અને જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. હાલ ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે અને મંત્રીઓ પોતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. મંત્રીઓના દીકરાઓ ભ્રષ્ટાચારમાં પકડાઈ રહ્યા છે માટે આવી પરિસ્થિતિમાંથી ગુજરાતને છોડાવવા માટે આમ આદમી પાર્ટી આ ચૂંટણી લડી રહી છે અને ભાજપને ભગાડવાની છે. આજે સેન્ટ્રલ અને જિલ્લાના હોદ્દેદારોની અમે મીટીંગ કરી છે અને ઉમેદવારોને લઈને અમે ચર્ચા કરી છે. આવનાર એક જ દિવસમાં કડી વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ ઉમેદવાર જાહેર કરવામાં આવશે.
