આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ગુજરાત પ્રવાસના પ્રસંગે એક પત્ર લખ્યો હતો અને કેટલીક ગંભીર બાબતો પ્રધાનમંત્રી સમક્ષ રજુ કરી હતી. આ પત્રમાં આમ આદમી પાર્ટીના નેતા Isudan Gadhviએ જણાવ્યું હતું કે આપનો ગુજરાતનો દ્વિદિવસીય પ્રવાસ શુભ રહે તેવી કામના કરું છું અને ગુજરાતની કેટલીક મહત્વપૂર્ણ વાતો આપ સમક્ષ મૂકવા ઈચ્છું છું. જાન્યુઆરી 2024માં ગુજરાતના વડોદરામાં થયેલો હરણી કાંડ દેશના કરોડો લોકોને હચમચાવી દેનારો બનાવ હતો. આ દુઃખદ અકસ્માત બાદ પીડિત પરિવારોને અપાર દુઃખ અને પીડાનો સામનો કરવો પડ્યો હતો અને મેં જાતે પણ તેઓની મુલાકાત લીધી હતી. આ લોકો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તમે એક સમયે ગુજરાતની બહેનોને વચન આપ્યું હતું કે “જ્યારે પણ કોઈ મુશ્કેલી હોય ત્યારે મને પોસ્ટકાર્ડ લખી દેજો.” આજે એજ ગુજરાતની બહેનો, એજ ગુજરાતની આત્મા આપ સમક્ષ ભરોસાપૂર્વક ન્યાયની અપીલ કરી રહી છે. આ ખુબ જ ચિંતાજનક છે કે પીડિત પરિવારોને હાલના મુખ્યમંત્રી અને શાસન તરફથી અપેક્ષિત સહાનુભૂતિ અને સંવેદનશીલતા મળી રહી નથી. તેઓ મુખ્યમંત્રીને મળવામાં સફળ તો થયા, પરંતુ આ બહેનો સાથે જાહેરમાં મુખ્યમંત્રી જે રીતે ગુસ્સામાં અપમાનજનક વર્તન કર્યું, તે અસ્વીકાર્ય છે. આ ઘટના પછી આ ગરીબ પીડિત પરિવારોની મહિલાઓ, એટલે કે તમારી માનેલી બહેનોના મનમાં ડર વસ્યો છે કે દાદાનું બુલડોઝર તેમના નાનકડા ઘરને પણ ધ્વસ્ત કરી દેશે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગરીબ લોકોના ઘર તોડવા માટે નીકળી પડ્યા છે, તેને રોકવું જરૂરી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોરબી પુલ દુર્ઘટના, સુરત તક્ષશિલા દુર્ઘટના અને હરણી કાંડ જેવી અનેક ભયાનક ઘટનાઓ બની છે. આ બધા કેસોમાં પીડિતો આજે પણ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે. માટે મારી આપ સમક્ષ વિનંતી છે કે હરણી કાંડ અને અન્ય ભયાનક ઘટનાઓના પીડિત પરિવારોને દિલ્હીમાં બોલાવવામાં આવે, તમે જાતે આ પીડિતોને મળો અને તેમની વાતો સાંભળી કેન્દ્રીય સરકારના સ્તરે નિષ્પક્ષ તપાસ શરૂ કરીને તેમને ન્યાય આપવાની દિશામાં દ્રઢ પગલાં લો. તમે દેશના પ્રધાનમંત્રી છો અને ગુજરાત તમારું જ ગૃહરાજ્ય છે. તેવી સ્થિતિમાં જ્યારે રાજ્યની ચૂંટેલી સરકાર પીડિત પરિવારોને ન્યાય આપવાની જગ્યાએ તેમને અપમાનિત કરે છે, ત્યારે તમારી ફરજ બને છે કે તમે તમારી માનેલી બહેનો અને તેમના પરિવાર સાથે ઊભા રહો. અમે આપ પાસેથી હકારાત્મક પહેલની અપેક્ષા રાખીએ છીએ.