દાહોદ ખાતે આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી(AAP)ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા એક રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી(AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહેવાના હતા. પરંતુ આ કાર્યક્રમ પહેલા જ દાહોદના અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને ધારાસભ્ય ચૈતર વસાવાને પણ વચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા. અમારી ફક્ત એટલી જ માંગ હતી કે દાહોદના ગામડાઓમાં મનરેગા યોજનામાં મોટા મોટા કૌભાંડ થઇ રહ્યા છે અને ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના દીકરાઓએ 1500 કરોડનું કૌભાંડ કર્યું હોય તેઓ અંદાજ છે અને હાલ 71 કરોડનું કૌભાંડ તો બહાર પણ આવી ગયું છે. તો અમારી માંગ એટલી જ હતી અને હજુ પણ એ માંગ છે કે ભાજપના આ મંત્રીનું રાજીનામું લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

આ કૌભાંડોમાં ભાજપના મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ થઈ છે અને તેઓ હાલ જેલમાં છે તો હવે મંત્રી બચુ ખાબડનું રાજીનામું લઈને તેમને ધારાસભ્ય પદ પરથી પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે. તેઓ હાલ કહી રહ્યા છે કે સરપંચોએ કૌભાંડ કર્યું છે પરંતુ જો કોઈ સરપંચે કૌભાંડ કર્યું હોય તો તે ધારાસભ્યના કહેવાથી કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને સરપંચો પાસે દબાણ વશ સહી કરાવી હોય તેવું પણ લાગી રહ્યું છે. માટે અમારી માંગ છે કે સરપંચોને નહીં પરંતુ ત્યાંના જે પણ ધારાસભ્યો હોય તેમના વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ અને એસીબી દ્વારા તપાસ થવી જોઈએ તેવી અમારી માંગ છે.