Ahmedabad : અમદાવાદના સોલા બ્રિજ પર 14 મે 2025ના રોજ મર્સિડીઝ કારથી હિટ એન્ડ રન કરનારો પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતમાં રાહુલ ભાટીયા નામના ફૂટબોલરને ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તે ICUમાં સારવાર હેઠળ છે. હીટ એન્ડ રન કરનારી આ મર્સિડીઝ કોઈ બીજાની નહીં, એટલે કે પૈસાદાર ઘરના વ્યક્તિની નહીં, પણ એક કોન્સ્ટેબલના દીકરા વિજય વાઘજીભાઈ રબારીની હોવાનું સામે આવ્યું છે.આ પોલીસ પુત્રને હવે આઠ દિવસની ધીમી તપાસ બાદ ટ્રાફિક- પોલીસે પકડ્યો છે.

હવે આટલી ધીમી તપાસ જો એક સામાન્ય અકસ્માતમાં થતી હોય તો બીજા મોટા ગંભીર ગુના ઉકેલતાં પોલીસને કેટલો સમય લાગે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.હાલ એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ફૂટબોલર રાહુલ ભાટીયા માટે ક્રાઉડ ફંડિગ કરવામાં આવી રહ્યું છે. રાહુલ ભાટીયા સેન્ટ ઝેવિયર્સની ટીમની ફૂટબોલ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તે 2017થી 2020 દરમિયાન સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કરતો હતો. 14 મેના રોજ રાત્રે 12.30 વાગ્યે જ્યારે સોલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને પાછળથી પૂરપાટ ઝડપે જઈ રહેલી મર્સિડિઝે ઉડાવ્યો હતો. આમ છતાં મર્સિડિઝ અટકી નહોતી.

જેને કારણે રાહુલ બેભાન અને લોહી લુહાણ થઈ ગયો હતો. તે રોડ પર નિ:સહાય હાલતમાં પડ્યો હતો. જેને કારણે તેને બ્રેઇન હેમરેજ અને ફ્રેક્ચર થઈ ગયા હતા. આ ઉપરાંત મોઢા પર પણ ઇજાઓ થઈ હતી.તે હાલ વેન્ટીલેટર પર છે. તેનો પરિવાર આર્થિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડ્યો છે. દિવસેને દિવસે આઈસીયુની સારવારનો ખર્ચ વધી રહ્યો છે. તેને મદદરૂપ થવા માટે 30 લાખનું ફંડ એકઠું કરવાની જરૂર પડી છે. આ ઉપરાંત રાહુલની બહેન નાઓમી ભાટીયાએ પણ Ketto પર ફંડ રેઝિંગ શરૂ કર્યું છે.

અમદાવાદના પેલેડિયમ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ પર 14 મે રાત્રિના સમયે વેજલપુર વિસ્તારમાં રહેતા રાહુલ ભાટિયા નામનો યુવક પોતાના વાહન પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક ફુલ સ્પીડમાં મર્સિડીઝ કાર ત્યાં આવી અને તેણે રાહુલના વાહનને અડફેટે લેતાં તે ફંગોળાયો હતો અને તેને ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહીં, અકસ્માત બાદ ઈજા પામનારી વ્યક્તિને મદદ કરવાને બદલે કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસ એક સપ્તાહ સુધી આ સમગ્ર કેસની તપાસ કરી હોવાનો દાવો કરી રહી છે. બીજી તરફ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે આરોપી કોણ છે એ શોધવામાં જ પોલીસને આટલો સમય લાગી ગયો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આરોપીનું નામ વિજય વાઘજીભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે અને વિજયના પિતા મૂળ અમદાવાદ જિલ્લા પોલીસમાં પોલીસ કર્મચારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ખરેખર પોલીસ આરોપીને પકડે, પણ પોલીસપુત્ર હોય ત્યારે કદાચ તેને એવું લાગ્યું હશે કે પપ્પા બચાવી લેશે, પરંતુ આખરે આઠ દિવસ બાદ આરોપીની ધરપકડ થઈ છે.આ અંગે એસજી વન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીંછીએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં આરોપી સુધી પહોંચવા ટેક્નિકલ સપોર્ટ લેવામાં આવ્યો હતો અને હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે . જ્યારે અકસ્માતમાં જે મર્સિડીઝ કાર હતી એને પણ કબજે લેવામાં આવી છે.

આ પણ વાંચો..