Gujarat : વસો-અલિન્દ્રા રોડ પર એક લોડિંગ ટેમ્પીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો પકડાયો છે. સામાજીક કાર્યકર દ્વારા ટેમ્પી ઉભી રાખી જોતા તેમાં સરકારી બારદાનમાં બાજરીનો જથ્થો હતો, જે જથ્થો સરકારી હોવાનું લાગતા તત્કાલ મામલતદારને જાણ કરી હતી. જે બાદ મામલતદારે સ્થળ પર પહોંચી પંચનામુ કરી જથ્થો સીઝ કર્યો હતો.

મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના વસોથી અલિન્દ્રા જવાના રોડ પર એક લોડીંગ ટેમ્પીમાં અનાજનો જથ્થો વસોની એક ખાનગી દુકાનમાંથી લઈ અલિન્દ્રા ખાતેની રાઈસમીલમાં લઈ જવાતો હતો. દરમિયાન રસ્તામાં સહજાનંદ કંપનીની બહાર આ ટેમ્પી પહોંચી, તે સમયે ત્યાંથી પસાર થતા સામાજીક કાર્યકર રાજ પટેલ દ્વારા અનાજના સરકારી બારદાન જોતા જથ્થો સરકારી હોવાની શંકા જતા ટેમ્પી ઉભી રાખી હતી.

તેમજ તત્કાલ વસો મામલતદારને જાણ કરી હતી. વસો મામલતદાર રજા પર હોય, તેમણે મધ્યાહ્ન ભોજનના ના.મામલતદારને સ્થળ પર મોકલ્યા હતા. જ્યાં નાયબ મામલતદાર સરકારી કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ તત્કાલ અનાજના જથ્થાના સેમ્પલ લઈ અને પંચનામુ કર્યુ હતુ.

આ ઉપરાંત રાજ પટેલ અને અન્ય બે પંચોના નિવેદનો નોંધ્યા હતા. તે બાદ આ જથ્થો સીઝ કરી સેમ્પલ મેળવી લીધા છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે ફરીયાદી રાજ પટેલે જણાવ્યુ કે, વસો અને માતર સહિતના તાલુકાઓમાં ચોક્કસ અનાજ માફીયાઓ દ્વારા સરકારી અનાજ જે હકીકતમાં ગરીબ અને વંચિત વર્ગ સુધી પહોંચવુ જોઈએ, તે અનાજ તેમના સુધી ન પહોંચી અને બારોબાર કૌભાંડ થતા હોય છે,

આજે વસોથી અલિન્દ્રા તરફ જતા સમયે આવો અનાજનો શંકાસ્પદ જથ્થો એક ટેમ્પીમાં હોવાનું જણાતા તત્કાલ પ્રશાસનનું ધ્યાન દોર્યુ અને નાયબ મામલતદારે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી કરી છે.

શું કહ્યુ નાયબ મામલતદારે?

સોશિયલ એક્ટીવીસ્ટ રાજ જયંતિભાઈ પટેલ મારફતે એક ફરીયાદ મળી હતી. એક ટેમ્પો પકડ્યો હોય અને અદંર શંકાસ્પદ સરકારી હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ મામલતદારની સૂચનાથી અમે સ્થળ પર આવ્યા હતા. આ જથ્થા અંગે પંચક્યાશ અને જરૂરી કાર્યવાહી કરી છે. તેની આગળની કાર્યવાહી હવે કરાશે. બાજરીના 20 કટ્ટા છે અને બિલ રજૂ કર્યુ છે અને અંદાજે 1000 કિલો અનાજ છે. હવે આગળ સેમ્પલીંગ કરવામાં આવશે. રજૂ કરેલા બિલ મુજબ વસોના ગિજેન્દ્રભાઈ ભાવસાર દ્વારા આ જથ્થો અલિન્દ્રાની એક રાઈસમીલમાં મોકલી રહ્યા હતાઃ ગોવિંદ એલ. પરમાર, ઈચા. ના.મામલતદાર, પુરવઠા શાખા

અનાજનો જથ્થો મોકલનાર ભાજપના કાર્યકર

આ સમગ્ર મામલે ફરીયાદી રાજ પટેલ દ્વારા જથ્થો પકડ્યા બાદ તુરંત મામલતદારને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન અનાજનો જથ્થો ભરીને રાઈસમીલમાં મોકલનાર ગિજેન્દ્રભાઈ ભાવસારના પત્ની પોતે વસો તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હોય તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમજ તેઓએ આવીને ઉદ્ધતાઈપૂર્વક પોતે ભાજપના હોદ્દેદાર હોવાનો દોઢ કરી અને ધમકાવ્યા હોવાના પણ આક્ષેપ ફરીયાદીએ કર્યા છે.

આ પણ વાંચો..