DJ Ban : ખેડા જિલ્લાના પ્રશાસન દ્વારા ડી.જે. સહિતના સાઉન્ડ પર સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પ્રતિબંધ અને નિયમો લાદયા છે. આવા સંજોગોમાં હવે બેફામ બનેલા ડી.જે. સંચાલકોને અંકુશમાં લેવા ફરીયાદો નોંધવાની શરૂ કરી દેવાઈ છે. ગઈકાલે કપડવંજમાં નિયમો અને જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી અસહ્ય અવાજમાં ડી.જે. વગાડનારા ચરોતરના એક જાણીતા ડી.જે. સંચાલક સામે ગુન્હો દાખલ કરાયો છે.
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડી.જે. સંચાલકો બેફામ બન્યા હતા. આ વચ્ચે જિલ્લા પ્રશાસને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન સાથે એક મહત્વપૂર્ણ જાહેરનામુ તાજેતરમાં જ બહાર પાડ્યુ હતુ. જેમાં નિયમોની વિરુદ્ધ જઈ નોઈઝ પોલ્યુશન કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ કરાયા હતા. આ વચ્ચે ગઈકાલે કપડવંજ તાલુકાના ઘઉંઆ ગામમાં એક સામાજીક પ્રસંગમાં આણંદનું એકદંતાય ડી.જે. બોલાવવામાં આવ્યુ હતુ.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા કાર્યવાહી
આ ડી.જે. સંચાલક પ્રકાશ ઉર્ફે પકો ચીમન વાઘેલા (રહે. ચિખોદરા, તા.જિ.આણંદ) દ્વારા 15થી 20 માણસોને પોતાના ડી.જે. પર ચઢાવી અને ડી.જે. જોરથી વગાડી જાહેરનામોનો ભંગ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આ દરમિયાન કપડવંજ ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હોય, તેમણે આ વીડિયોની માહિતી મળી હતી, તેના આધારે ડી.જે. માલિક પ્રકાશ ઉર્ફે પકાને બોલાવ્યો હતો અને તેની પાસે ડી.જે. વગાડવાની પરમીટ-મંજૂરી માંગતા, તે રજૂ કરી શક્યો નહોતો.
જાહેરનામાનો ભંગ કર્યો
તેમજ તેણે પોતાના ડી.જે. પર 15 ઉપરાંત વ્યક્તિને બેસાડી બેફીકરાઈ રીતે વાહન ચલાવી અને જોરથી ડી.જે. વગાડી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા તેની સામે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ. પી.જે. રાવલે ફરીયાદી બની બી.એન.એસ.ની કલમ 223 અને 281 મુજબ ગુનો નોંધ્યો છે.
ડી.જે. કબ્જે ન લેવાયુ
જો કે, આ કેસમાં કપડવંજ ગ્રામ્ય પોલીસે ડી.જે. કબ્જે ન લીધુ હોવાની પણ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. આગામી દિવસોમાં આ ડી.જે.ના મોટા ઓર્ડર હોવાના કારણે પોલીસે પણ દહીંમાં અને દૂધમાં પગ રાખ્યાની ચર્ચાઓ ઉઠી છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર ઈસમનું ડી.જે. તત્કાલ જપ્ત કરાય તેવી માંગણી પણ જાગૃતજનોમાં ઉઠી છે.
ડી.જે.ની મંજૂરી આપી જ ન શકાયઃ કાયદા તજજ્ઞ
આ સમગ્ર મામલે એક કાયદા તજજ્ઞનો સંપર્ક કરતા તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, હાલ સામાજીક પ્રસંગોમાં જે ડી.જે. વાગી રહ્યા છે, તેની કોઈ પણ જાતની કાયદેસરની પણ મંજૂરી આપવા માટે તંત્ર પાસે સત્તા નથી. એનો મતલબ એ છે કે, તમામ ડી.જે. ગેરકાયદેસર રીતે જ ચલાવાઈ રહ્યા છે, સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ડી.જે. પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેવા સંજોગોમાં ડી.જે. જેવી સિસ્ટમો ક્યાંય પણ વાગતી દેખાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી જવાબદાર તંત્ર કરી જ શકે છે.
આ પણ વાંચો.
- Delhi: વૃક્ષો પડી ગયા, હોર્ડિંગ્સ ઉડી ગયા, કરા પડ્યા વિનાશ… દિલ્હી-એનસીઆરમાં તોફાન અને વરસાદને કારણે 2 લોકોના મોત
- China–Pakistan આર્થિક કોરિડોર હવે અફઘાનિસ્તાન સુધી પહોંચશે, CPEC ની ભારત પર શું અસર પડી શકે છે?
- Government of India એ પાકિસ્તાની હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશમાંથી હાંકી કાઢ્યા, 24 કલાકનો સમય આપ્યો
- israeli હમાસના ગળા સુધી પહોંચી ગયું, IDF સૈનિકોએ ઉત્તરી ગાઝામાં બાકી રહેલી 2 હોસ્પિટલોને પણ ઘેરી લીધી
- નસીબદાર હોય કે કમનસીબ, IPLમાં પહેલીવાર બન્યો આવો કારનામો, એક જ ખેલાડીને બે વાર ડેબ્યૂ કરવાની તક મળી