Ahmedabad : નિકોલમાં ટી.પી.103માં પ્લોટ નંબર 123 મ્યુનિ. કોર્પો.માં ગ્રીન ઝોન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે.જેના પર વર્ષ 2020માં સિનિયર સિટિઝન પાર્ક માટેની જગ્યા ફાળવામાં આવી હતી પરંતુ હજી સુધી તેની કામગીરી શરૂ કરવામાં આવી નથી. તેના બદલે તે જગ્યા પર ગેરકાયદેસર શેડ ઊભા કરી દેવામાં આવ્યા છે.

નિકોલથી નરોડા જતાં રોડ પર ચિત્રકૂટ સોસાયટીની સામે સાનિધ્ય પાર્કની બાજુમાં આવેલો પ્લોટ લાંબા સમયથી બાગ બગીચા ખાતા માટે ફાળવવામાં આવેલો છે.તેમ છતાં ત્યાં ગેરકાયદેસર શેડનું દબાણ ઊભું કરી દેવામાં આવ્યું અને તેને ભાડે પેટે ફાળવી દેવામાં આવ્યો છે. આ અંગે વિરોધ વ્યક્ત કરતાં સ્થાનિક વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું કે, મ્યુનિ. તંત્ર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે અને દરેક વોર્ડ અને ઝોન સ્તરે નવા બાગ-બગીચાની સુવિધા પૂરી પાડવાના દાવા કરવામાં આવે છે.

જ્યારે આ વિસ્તારમાં સિનિયર સિટિઝન પાર્કની લાંબા સમયથી માંગણી રહી છે તેને પૂરી કરવાના બદલે તે જગ્યા ધંધાદારીઓને ફાળવી દેવામાં આવી છે. જેના પરથી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે પરંતુ લોકોને સુવિધા મળી રહે તેના હેતુસર કરવામાં આવી રહ્યા નથી.

આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ પ્લોટની આસપાસમાં 70 થી 80 સોસાયટીઓ આવેલી છે અને જેના લોકોને માટે ગાર્ડ કે સિનિયર સિટિઝન પાર્કની આવશ્યકતા રહેલી છે. તેમજ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગાર્ડન માટે અને વૃક્ષો માટેની રજૂઆત કરતું રહે છે. ત્યારે અહીંના ખુલ્લા પ્લોટ પર વૃક્ષોની વાવની કરવામાં આવે તેવી જરૂરિયાત રહેલી છે.

આ બાબતે અધિકારીઓ જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે ફરિયાદ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, આ મુદ્દો ઉપરી અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવશે. તેના માટેના બજેટની ફાળવણી ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમજ જે શેડ ઊભા કરવામાં આવ્યા છે તેને હટાવવા માટેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે.

આ પણ વાંચો..