Kutch : જી.કે.જનરલ હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર નવજાત શિશુઓની સારવાર માટે શરૂ કરાયેલાં રાજ્ય સ્તરના નવજાત ઘનિષ્ઠ સંભાળ યુનિટમાં એક સાથે 37થી વધુ નવજાતની શુશ્રૂષા કરાશે. કચ્છની સ્થિતિને ધ્યાનમાં લઇ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા શરૂ કરાયેલા એકમમાં બાળરોગ વિભાગના નિષ્ણાત તબીબો ડો.સંદીપ તીલવાણી તથા બાળરોગ વિભાગના વડા ડો.રેખાબેન થડાનીના જણાવ્યા અનુસાર કેન્દ્રમાં ઘનિષ્ઠ સારવાર માટે ત્રિસ્તરીય વ્યવસ્થા રખાઇ છે.
જી.કે.જનરલ હોસ્પિટલમાં જન્મેલા કે બહારથી અહીં મોકલવામાં આવેલા બાળકોની નિષ્ણાત તબીબો દ્વારા ચકાસણી બાદ બીમારીની ગંભીરતાના આધારે એનઆઇસીયુની જુદી-જુદી સ્તરીય કક્ષામાં આવશ્યકતા મુજબ સારવાર કરાશે.સઘન સારવારની જરૂરિયાતવાળા બાળકને ત્રીજા સ્તરના એકમમાં મુકાશે.37 પૈકી 13 ખાટલા ઘનિષ્ઠ સારવાર માટે રાખવામાં આવ્યા છે.13માંથી બે બેડ હાઇ ફ્રિક્વન્સી ધરાવે છે તથા હાઇપર મોનિટર સિસ્ટમથી સુસજ્જ હોય છે. જેટલા બેડ તેટલા જ વેન્ટિલેટર છે. ત્રીજા યુનિટમાં બાળકને બીજા બાળકનો ચેપ લાગી શકે નહીં તેવી એરચેન્જ સિસ્ટમ મુકાઇ છે.
બીજા યુનિટમાં પણ નવ સ્ટેપ ડાઉન બેડ મૂકાયા છે.ત્રણ સ્તરના બેડ પર સારવાર થઇ રહેલા બાળકને સુધારો જણાય, ત્યારે દ્વિતીય સ્તરના બેડ પર શિફ્ટ કરાય છે.આ સ્તરે પણ સી પેપ,મિકેનિકલ વેન્ટિલેટર, ઇન્ફ્યુઝન પંપ સહિતની સુવિધા છે.એકમમાં રહેલી બાયોસેફ્ટી કેબિનેટમાં બાળકને નસમાં ઇન્જેક્શન આપવાનું પ્રવાહી જૈવિક સલામતીના માન્ય ધોરણોને ધ્યાનમાં રાખીને ચેપ લાગે નહીં તે માટે કાળજીપૂર્વક બનાવાય છે.એક સ્તરીય કક્ષાના નવજાત માટેની સંભાળ જ્યાં માતા તથા શિશુને રાખવામાં આવે છે, તેમાં જેની શારીરિક સ્થિતિ સામાન્ય રીતે સ્થિર હોય તેવા બાળકને રખાય છે.
આ સ્તરે બાળકના ખોરાક તથા વજન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત થાય છે. આ યુનિટમાં જિલ્લામાં એકમાત્ર માનવ મિલ્કબેંક ઊભી કરાશે. `વાત્સલ્ય’ પ્રોજેક્ટ હેઠળ મિલ્કબેંકમાં ધાત્રી માતાઓનું દૂધ એકત્રિત કરી જરૂરિયાતમંદ બાળકોને પૂરું પડાશે. દૂધ સાચવવા ડીપ ફ્રિઝર તૈયાર કરાશે. પેશ્ચુરાઇઝ્ડ તથા માઇક્રો બાયોલોજિકલ ચકાસણીના સ્તરે દૂધ પસાર થશે, જેથી બાળકોને દૂધનો ચેપ સ્પર્શે નહીં.
એનઆઇસીયુમાં પ્રવેશ પર પ્રતિબંધ હોતાં નવજાતની સારવાર માતા નિહાળી શકે તે માટે કાઉન્સેલિંગ કક્ષ તૈયાર કરાયો છે, જેમાં ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ સાથે બાળકની સારવાર જોઇ શકાશે. બાળકની સંભાળ માટે જરૂરી પરામર્શ માટે બનાવાયેલા ખંડમાં તબીબો બાળકની દેખભાળ માટે માર્ગદર્શન આપશે. જન્મ સાથે બાળકની આંખના આરોગ્યની તપાસ અલગ કક્ષમાં આંખ વિભાગના ચક્ષુ નિષ્ણાત દ્વારા નિયમિત કરાશે. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. યશ્વી દત્તાણી, ડો. તરલ કેશરાણી સહિત રેસિડેન્ટ તબીબો, નર્સિંગ સ્ટાફ સંભાળ લેશે. નવનિર્મિત નવજાત ઘનિષ્ઠ શિશુ સંભાળ કેન્દ્ર જિલ્લા માટે આશીર્વાદ સમાન પૂરવાર થશે.
આ પણ વાંચો..
- Jyoti malhotra: પાક હાઈ કમિશન, ઈફ્તાર પાર્ટી અને ગુપ્ત વાતચીત… આ રીતે ISI સ્લીપર સેલ જ્યોતિનું રહસ્ય ખુલ્યું
- Shahbazh sharif એ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું- ‘પાકિસ્તાન શાંતિપ્રિય દેશ છે, પણ…’
- Vat savitri pooja: જો ઘરની નજીક વડનું ઝાડ ન હોય તો આ રીતે કરો વટ સાવિત્રી પૂજા
- Gujaratના માઇકલે યુપીમાં ભાડાના ખાતાઓનું નેટવર્ક ફેલાવ્યું, જાણો સમગ્ર મામલો
- gazaમાં IDF ની કાર્યવાહી, 24 કલાકમાં 146 લોકોના મોત; હમાસે કહ્યું – ઇઝરાયલ સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે