ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા CM Bhupendra Patelના વિધાન સભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લપકામણ ગામથી પ્રારંભ થયેલી આ રેલી અદાણી શાંતિગ્રામ સુધી પહોંચી હતી જે દરમિયાન રાષ્ટ્રભક્તિના અનોખા દ્રશ્યો સર્જાયા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઈને તેમણે સમગ્ર રૂટ દરમિયાન ગ્રામજનોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું.
લપકામણ, લીલાપુર, ખોડીયાર અને આસપાસના ગામોના સેંકડો યુવાનોએ ઉત્સાહભેર આ બાઇક રેલીમાં ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ પર ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, અને ગ્રામજનોએ હિન્દની સેનાના વીરત્વને પુષ્પોથી વધાવી લીધું હતું.
આ રેલીમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.