નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી-ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહેલા લોકોની દુકાનો અને ઘરો પર બુલડોઝર ચલાવી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. તેની સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasavaએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે કેવડિયા ખાતે નાની નાની દુકાનો ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવ્યું છે. સરકારના આ નિર્ણયનો અમે સખત વિરોધ કરીએ છીએ અને નિંદા કરીએ છીએ. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને અમે કહેવા માંગીએ છીએ કે ગરીબો પર આવા પગલા લેવામાં આવે છે તો ભાજપના મંત્રી બચુ ખાબડ અને તેમના પુત્રએ MNREGAનું મોટું કૌભાંડ કર્યું છે તો તેમના ઘર પર તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો?
ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આ એ જ આદિવાસી લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે. આ લોકો પોતાના સમાજ-ધર્મથી છીન્નભિન્ન થઈને અહીં વસેલા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે દેશના વડાપ્રધાને ફાંકા ફોજદારી કરી હતી અને કહ્યું હતું કે આ લોકોને અહીં રોજગારી મળશે. તમારા સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ એકતા રથ લઈને મોટી મોટી વાતો કરતા હતા, પરંતુ આજે તેઓ ક્યાંય દેખાતા નથી. અમે વિકાસના વિરોધી નથી, પરંતુ આદિવાસીઓના ભોગે આજે વિકાસ થઈ રહ્યો છે. વિકાસના નામે આદિવાસી લોકો અને તેમની સંસ્કૃતિને છીન્નભિન્ન કરવામાં આવી રહી છે – તેને અમે સહન કરીશું નહીં.
નેહરો, હાઇવે, રોડ, રેલવેના નામે અમારી જમીનો છીનવી લેવાઈ છે. આ સિવાય લીગ્નાઈટ પ્રોજેક્ટ, JETCO GIDC, હાઇડ્રો પ્રોજેક્ટ, યુરેનિયમ પ્રોજેક્ટ કે નેશનલ હાઇવે 56 હોય – આવા અનેક પ્રોજેક્ટમાં હવે અમે ક્યાંય પણ સરકારને જમીન આપવા માટે સહમત નથી. આજે સરકારે આદિવાસી લોકો પર બુલડોઝર ફેરવ્યું છે, તો એ લોકોની સાથે આખા ગુજરાતના આદિવાસી લોકો ઊભા છે. આવનારા સમયમાં સરકારની આદિવાસી વિરોધી માનસિકતા સામે લડવા માટે અમે સડકથી લઈને સદન સુધી લડીશું. અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળમૂળથી ઉખાડી નાખવા માટે આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે – અને એ દિવસ હવે દૂર નથી.