આજે આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhaviએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ કોઈ પણ પ્રકારના રાષ્ટ્રીય સંકટ સમયે સદાય પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય નીભાવીને પોતાની સેવાઓ આપેલ છે. હાલની પરિસ્થિતિમાં પણ, એક જવાબદાર નાગરિક તરીકે તથા એક જવાબદાર રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે અમારી નૈતિક ફરજ બની જાય છે કે આપણે આ સંકટ સમયે લોકોની સેવા માટે આગળ આવીએ.
આ સંજોગોમાં આમ આદમી પાર્ટી(AAP)ના તમામ કાર્યકરો દરેક પ્રકારના સેવા-કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે સંપૂર્ણ રીતે 24 કલાક તૈયાર છે. કોઈ પણ પ્રકારનું રાહત કાર્ય હોય, આરોગ્ય વિભાગમાં સેવા આપવાની હોય, રક્તદાન કેમ્પ યોજવાના હોય, રાહત સામગ્રીના પરિવહન/વિતરણમાં સેવા આપવાની હોય કે આ સિવાયનું પણ કોઈ પણ સેવા-કાર્ય કરવાનું હોય, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ કાર્ય માટે 24 કલાક ખડેપગે તૈયાર રહેશે, એની હું આપને આશ્વાસન અને બાંહેધરી આપું છું. મારી વિનંતી છે કે, ઉપરોક્ત કોઈ પણ પ્રકારની સેવા માટે અમારો સંપર્ક કરશો, અમે તૈયાર છીએ.