Gujarat News: પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની તૈયારીઓ અને સરહદી તણાવની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પ્રધાનમંત્રીએ નાગરિકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પૂરતા પગલાં વિશે પણ પૂછપરછ કરી. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.

બ્લેકઆઉટ 7 કલાક સુધી ચાલ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના ઘણા ભાગો ગુરુવારે રાત્રે સાત કલાકથી વધુ સમય સુધી વીજળી વગર રહ્યા. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કચ્છ અને બનાસકાંઠા બંને જિલ્લા પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે. અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાનના કોઈપણ આક્રમક પગલાને નિષ્ફળ બનાવવા માટે સાવચેતીના પગલા તરીકે ભુજ, નલિયા, નખત્રાણા અને ગાંધીધામ શહેરો સહિત કચ્છના ઘણા ભાગોમાં વીજળી સંપૂર્ણપણે કાપી નાખવામાં આવી હતી.

ડ્રોન મિસાઇલોને અટકાવી દેવામાં આવી

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ 7-8 મેની રાત્રે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લશ્કરી સ્થાપનોને નિશાન બનાવતા પાકિસ્તાનથી છોડવામાં આવેલા તમામ ડ્રોન અને મિસાઇલોને સફળતાપૂર્વક અટકાવી દીધા હતા.