India Pakistan war: ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદો પર એક વિશાળ કાઉન્ટર-ડ્રોન ઓપરેશન દરમિયાન 50 થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા. પાકિસ્તાન દ્વારા વિવિધ સ્થળોએ ભારતીય ક્ષેત્રમાં ડ્રોન મોકલવાના અનેક નિષ્ફળ પ્રયાસો બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમોએ ઝડપથી જવાબ આપ્યો અને ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ સહિતના વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોનને હવામાં તોડી પાડ્યા. હવે ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે.

ભારતીય સેનાએ કહ્યું, ‘પાકિસ્તાની સશસ્ત્ર દળોએ 8 અને 9 મેની રાત્રે સમગ્ર પશ્ચિમ સરહદ પર ડ્રોન અને અન્ય હથિયારોનો ઉપયોગ કરીને અનેક હુમલાઓ કર્યા.’ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક વખત યુદ્ધવિરામ ઉલ્લંઘન (CFV) કર્યા છે.

તેમણે કહ્યું, ‘ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. ભારતીય સેના રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. બધી દુષ્ટ યોજનાઓનો કડક જવાબ આપવામાં આવશે.