Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. તમને જણાવી દઈએ કે આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલીમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા 4 દિવસથી ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં ગયા રવિવાર મોડી રાતથી રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી પડી રહી છે. આજે પણ રાજ્યના ૧૯૧ તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો છે.

ક્યાં ક્યાં વરસાદ પડ્યો?

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર આજે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 59 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 9 તાલુકામાં 2ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં સૌથી વધુ 102મીમી (4 ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ભાવનગરમાં 76 મીમી (2.9 ઇંચ), અમદાવાદના બાવલામાં 69 મીમી (2.7 ઇંચ), વડોદરામાં 67 મીમી (2.6 ઇંચ), આણંદના બોરસદમાં 64 મીમી (2.5 ઇંચ), ખેડાના નડિયાદમાં 59 મીમી (2.3 ઇંચ) અને જૂનાગઢના વંથલીમાં 58 મીમી (2.2ઇંચ) વરસાદ નોંધાયો હતો.

રાત્રે 8 થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 2 કલાકમાં વરસાદ બંધ થઈ ગયો હોવાથી માત્ર 4તાલુકામાં જ વરસાદ પડ્યો છે. જેમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 37 મીમી, ખંભાળિયામાં ૬ મીમી, ભાણવડમાં ૪ મીમી અને કચ્છના નખત્રાણા તાલુકામાં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે.

આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સવારે 6 થી 8 વાગ્યા વચ્ચે માત્ર 2 કલાકમાં 58 મીમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ?

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ ચાલુ રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શહેરી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના ઘણા તાલુકાઓમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભાવનગર શહેરમાં છેલ્લા એક કલાકથી હળવો વરસાદ પડી રહ્યો છે, ક્યારેક ઝરમર ઝરમર તો ક્યારેક ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરના કુંભારવાડા, સંસ્કાર મંડળ, રામમંત્ર મંદિર રોડ અને કાલિયાબીડ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાના અહેવાલો મળ્યા છે. વરસાદને કારણે શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.