Gujarat: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૭ મે ૨૦૨૫ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી શ્રી પંકજ જોષી, એ.સી.એસ. હોમ શ્રી એમ. કે. દાસ અને ડી.જી.પી. શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તા. ૦૬/૦૫/૨૦૨૫ના સાંજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં GEB, અગ્નિશામક, વન, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટરશ્રી અને પોલીસ ડીપાર્ટમેન્ટ, મ્યુનીશીપલ કમીશ્નર જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અંગે મીડિયાને વિગતો આપતા સામાબન્ય નાગરિકોએ મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપતાં કહ્યું કે, આવી પરિસ્થિતમાં નાગરિકોએ આટલું કરવું જોઈએ:
* ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (૧) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (૨) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.
* કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
* તા. ૭/૫/૨૦૨૫ના રોજ રાજ્યમાં સાંજે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.
* નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ સૌ નાગરિકોને એવો પણ અનુરોધ કર્યો કે, આ મોકડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના જે જિલ્લાઓમાં આ મોકડ્રીલ થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-૧૮ જિલ્લાઓમાં મોકડ્રીલ થશે.
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ મોક ડ્રીલ માટે પગલાવાર પ્રક્રિયાની વિગતો આપતાં જણાવ્યું હતું કે,
* સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ ૧૨ વિવિધ પ્રકારની સેવાઓ છે, જે આ પ્રકારની પરિસ્થિતિમાં સક્રિયપણે ભાગ લેશે, જેમાં સીવીલ ડીફેન્સના પ્રશિક્ષિત વોર્ડન/સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.
* ઇન્ડિયન એર ફોર્સે હોટલાઇન દ્વારા સિવિલ ડિફેન્સને ગુપ્ત સંદેશ મોકલ્યો
* સિવિલ ડિફેન્સ/જાગૃત નાગરિકો સાયરન/SMS દ્વારા નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે મદદ કરે છે.
* સિવિલ ડિફેન્સ જાગૃત નાગરિકો SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે.
* ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરે છે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે.
* PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે.
* વન વિભાગનો સ્ટાફ યુદ્ધ સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરે છે.
* પોલીસની મદદમાં રહી હોમગાર્ડ કાયદો અને વ્યવસ્થા જાળવશે.
* મહેસૂલ અધિકારીઓ દેખરેખ રાખશે.
* એકંદર સ્થિતિમાં જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે.
* પોલીસ ખાતાએ આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની હોય છે.
* વિદ્યાર્થીઓ સહિત સામાન્ય પ્રજાને સિવિલ ડિફેન્સ, SDRF અને SRP દ્વારા સંવેદનશીલ બનાવવાની અને જાગૃતિ વિસ્તૃત કરવાની દિશામાં તાલીમ આપવામાં આવશે.
* ગામનાં સરપંચોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્ષ ૧૯૬૨માં થયેલા ચીનના આક્રમણ પછી ભારત સરકારે અન્ય દેશો અનુસાર ભારત દેશમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર વર્ષ ૧૯૬૩થી શરૂ કર્યું છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પણ પ્રજાજનોને બચાવવા તથા ઔદ્યોગીક ઉત્પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું છે.
શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પુર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જીત (અકુદરતી) આફતો જેવી કે, કોમી રમખાણો, મોટી આગ, મોટા અકસ્માત વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ પદાધિકારી/સ્વયંસેવકો ખડેપગે હાજર રહી પ્રજાની સેવાકીય ફરજ બજાવે છે.