Gujarat News: ગુજરાતના વડોદરા રેલ્વે સ્ટેશન પરથી પોલીસે 1283 કિલો ગૌમાંસ જપ્ત કર્યું છે. આ બીફ મુંબઈ જતી એક એક્સપ્રેસ ટ્રેનની પાર્સલ વાનમાં રાખવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતાં પોલીસે શનિવારે જણાવ્યું હતું કે બુધવારે સાંજે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાંથી આ રિકવરી કરવામાં આવી હતી અને તપાસમાં તે ગૌમાંસ હોવાની પુષ્ટિ થયા બાદ આ મામલે બે લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR પાર્સલ મોકલનાર અને પાર્સલ મેળવનાર સામે નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બંનેની ઓળખ વિજય સિંહ અને ઝફર શબ્બીર તરીકે થઈ છે.

વડોદરા રેલ્વે પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને એક બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે ટ્રેનમાં પ્રતિબંધિત માંસ લઈ જવામાં આવી રહ્યું છે. આ શોધ બાદ નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે સુરત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં પુષ્ટિ થઈ હતી કે તે ગૌમાંસ હતું.

બીજી તરફ પશ્ચિમ રેલ્વે વડોદરાના પોલીસ અધિક્ષક (SP) સરોજ કુમારીએ જણાવ્યું હતું કે ટ્રેનમાંથી જપ્ત કરાયેલ 1283 કિલો ગૌમાંસ 16 પાર્સલમાં રાખવામાં આવ્યું હતું અને તેને પંજાબના અમૃતસર મોકલવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે ફોરેન્સિક લેબોરેટરીએ પણ પુષ્ટિ આપી છે કે જપ્ત કરાયેલું માંસ ગૌમાંસ હતું. જેના પગલે શુક્રવારે સાંજે બે વ્યક્તિઓ વિજય સિંહ અને ઝફર શબ્બીર સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે પાર્સલ મોકલનાર અને પ્રાપ્તકર્તા સામે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો અને ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 325 (પ્રાણીને મારવા, ઝેર આપવા, અપંગ કરવા અથવા અક્ષમ કરવા સંબંધિત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીની બહાર છે.