Heatwave : જાહેર જનતાનાં હિતાર્થ સન સ્ટ્રોક (લુ-Heatwave)થી બચવા આ સુચનો અનુસરવા હિતાવત છે. હાલમાં હિટ વેવની સંભાવનાઓને જોતાં રાજ્ય વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં કોઈએ બિનજરૂરી બહાર નીકળવું નહી સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવા તાકીદ કરાઈ છે.
આ છે લૂના મુખ્ય લક્ષણો

આ દિવસોમાં માથાનો દુઃખાવો, પગની પીંડીઓમાં દુઃખાવો, શરીરનું તાપમાન ખુબ વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી-ઉબકા થવા, ચક્કર આવવા, આંખે અંધારા આવી જવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ-Heatwaveના મુખ્ય લક્ષણો છે.
આ છે લૂ-Heatwave સામે પ્રાથમિક ઉપાયો

ગરમીની મોસમ દરમિયાન સારું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઈએ. રાત્રિ દરમિયાન કાળી દ્રાક્ષનું સેવન કરવું અને દિવસ દરમિયાન તરબૂચનું સેવન કરવું જોઈએ.
લૂથી બચવા માર્ગદર્શિકા

હીટવેવ દરમિયાન અને આગામી ગરમીના દિવસોમાં લૂની અસરથી બચવા માટે નાગરિકો માટે રક્ષણાત્મક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા અનુસાર હીટવેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીર અને માથું ઢાંકીને રાખવું, સફેદ રંગના અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ.
આ ઉપાયો પણ ખૂબ જરૂરી
લૂથી બચવા માટે વારંવાર ઠંડુ પાણી, લીંબુ શરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર.એસ.લીકવીડ પૂરતા પ્રમાણમાં પીવા જોઈએ. બાળકો માટે કેસુડાના ફૂલ અને લીમડાના પાનનો સ્નાન માટેના પાણીમાં ઉપયોગ કરવો જોઈએ. શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ સ્નાન કરવું જોઈએ. છાંયડામાં રહેવું, રેડિયો સાંભળો, ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો, તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા ઘરે બનાવેલા છાશ, લસ્સી, લીંબુ પાણી, સહિતના પીણાનો ઉપયોગ કરવો. સૂર્યના સીધા પ્રકાશમાં કામ કરવાનું થાય ત્યારે છત્રી ટોપી, બુટ-ચપ્પલ, ચશ્માનો ઉપયોગ કરવો. માથા, ગળા અને ચેહરા પર ભીનું કપડું રાખવું.
આ પરીસ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરો

હિટ વેવની અસર દરમિયાન સ્નાયુ ખેંચાવા, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, ચક્કર આવવા, માથું દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન વગેરે જેવા રોગના લક્ષણો જોવા મળે છે. જો નબળાઈ અથવા બિમારી જેવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
અબોલ પ્રાણીઓને પાણી આપવા અપીલ
પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા અને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું. ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરવો, રાત્રે બારીઓ ખોલી નાખવી, ઘરમાં પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરવો અને વારંવાર ઠંડા પાણીથી નાહવું. કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખવી. વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમાં કામ કરવાનું ટાઇમ ટેબલ બનાવવું. બહાર કામ કરવાવાળાએ વારેવારે લાંબો આરામ લેવો. સગર્ભા કામદારો પર વધારે ધ્યાન આપવું. બાળકો અને પાળેલા પ્રાણીઓને ઉભા રાખેલા વાહનોમાં એકલા છોડવા નહિ.
આ સાવચેતી રાખો
સખત પરિશ્રમ વાળુ કામ કરવાનું ટાળો અથવા બંધ રાખો અને ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન બનાવો. ઘરમાં જે શક્ય ન હોય એવું કામ ઠંડા સ્થળે અથવા છાંયડામાં રહીને કરી શકાય. વજનમાં હલકા અને હળવા કલરના કપડાં ગરમી અને સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે જેથી શરીર સામાન્ય તાપમાન જાળવી શકે આ પ્રકારના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.વારંવાર થોડું થોડું ઓછા પ્રોટીનવાળો ખોરાક લેવાનું રાખો. ફળ, શાકભાક અને સલાડ વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરો.
બાળકો-વૃદ્ધોની ખાસ તકેદારી રાખો
તાપમાં ગરમીને દૂર કરવી મુશ્કેલ બની જાય છે જેથી તાપમાં જવાનું ટાળો. બાળકો, વૃધ્ધો, નાના બાળકો, શિશુઓની ખાસ સંભાળ રાખવી જે લોકો લાંબા સમયથી કોઈ બિમારીથી પીડાતા હોય એવા લોકો હિટ વેવ સમયે વધુ અસુરક્ષિત હોય છે. પાળેલા જાનવરોને ઘરમાં રાખવા અથવા તેમને છાંયડામાં રાખો અને ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં આપવું. પાણીનું પાત્ર વારંવાર ભરવું. પાળેલા પ્રાણીઓને પાર્કિંગ કરેલા વાહનોમાં અથવા પાસે રાખવા નહીં.
આ પણ વાંચો..
- ઉનાળાના વેકેશનમાં Gujaratમાં 1400 વધારાની બસો દોડશે, જાણો તેનો રૂટ
- Gujarat: મિલકતના દસ્તાવેજોની નોંધણીમાં નવો નિયમ, જો પાલન ન થયું તો IT તરફથી આવશે નોટિસ
- Gujaratના 19 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી, IMDએ જણાવ્યું આગામી 5 દિવસ હવામાન
- પહલગામ આતંકવાદી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી… કેન્દ્રીય મંત્રી C R Patilએ સુરતમાં શપથ લીધા
- Ahmedabad: ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને આશ્રય આપનાર Lalla Bihari 6 દિવસના રિમાન્ડ પર