નડિયાદમાં ટાઉન પોલીસની હદમાં સુનિયોજીત રીતે ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી છે. બુટલેગર જીગ્નેશ તળપદાના અડ્ડા પર ત્રાટકેલી SMCની ટીમે 10.90 લાખના વિદેશી દારૂ સાથે કુલ 18.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ રેઈડમાં 6 ઈસમો ઝડપાયા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર પોતાના 3 સાગરીતો સાથે વોન્ટેડ જાહેર કરાયો છે.

મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં હેલીપેડથી શરૂ થઈ ફતેપુરા રોડ તરફ જતા રીંગ રોડ પર સુનિયોજીત રીતે ચાલતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ગતરોજ આ અડ્ડા પર ત્રાટકી અને વિદેશી દારૂ અને બિયર સહિતનો 10.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે 3 વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 18 લાખ ઉપરાંતનો પ્રોહીબીશનનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આ દરોડા દરમિયાન 6 આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં મહેશ ગોરધન તળપદા, નરેશ કાભાઈ તળપદા, હિતેશ સતીષ પરમાર, જયદીપ કાંતિ સોઢા, ગોપાલ અંબાલાલ તળપદા, ઈલ્યાસ ઉર્ફે મુન્નો ઈબ્રાહીમ વ્હોરાની અટકાયત કરી લીધી છે. જ્યારે કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો લક્ષ્મણ તળપદા પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે વોન્ટેડ જાહેર કરાયો છે.

જે મુજબ દારૂનો અડ્ડો છૂટથી ચાલી રહ્યો હતો, તે મુજબ તો સુનિયોજીત રીતે ચાલતો હોવાનું સ્પષ્ટ દેખાતુ હતુ. તેવા સંજોગોમાં સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીથી નડિયાદ ટાઉન પોલીસ મથકની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. અત્રે SMCની બાતમી મળી હતી કે, જીગો તળપદા વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના સાગરીતો પાસે વેચાણ કરાવે છે. જેના આધારે SMCની ટીમ દ્વારા વોચ રાખી સપાટો બોલાવાયો હતો.

અગાઉ આ જ બુટલેગરની દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી

મળતી માહિતી મુજબ અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નડિયાદના રીંગ રોડ આંબાવાડીયા વિસ્તારમાં પણ સપાટો બોલાવ્યો હતો, તે વખતે પણ આ જ જીગ્નેશ ઉર્ફે જીગો લક્ષ્મણ તળપદાની દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાં લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.