Kheda : વસોના બામરોલીનો યુવક ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બન્યો છે. એકતરફ રોજગારમાં મંદી છે ત્યારે ક્યાંક નોકરી-ધંધો લાગી જાય તેવા આશા સેવીને બેઠેલા યુવકો પણ છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે. આ યુવકને ઘરે બેઠા નોકરી આપવાનું જણાવી 75 હજાર પડાવી લેવાયા છે.

વસો તાલુકાના બામરોલી ગામમાં ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સરતાનપુરા વિસ્તારના રહેવાસી કીર્તિબેન સોલંકીના ખાતામાંથી ઠગોએ 75,934 રૂપિયા પડાવ્યા છે.

કીર્તિબેનના મોટા દીકરા હિરેને ફેસબુક પર ઘરબેઠા પેન્સિલ પેકિંગની નોકરીની જાહેરાત જોઈ હતી. તેણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ઠગે હિન્દી ભાષામાં વાતચીત કરી હિરેન પાસેથી વિવિધ ચાર્જના નામે પૈસા પડાવ્યા હતા. આરોપીએ રજીસ્ટ્રેશન, આઇડી કાર્ડ અને જીએસટી ચાર્જના નામે પૈસાની માંગણી કરી. તેણે સ્કેનર મોકલીને માર્ચના અંત અને એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન કુલ 75,934 રૂપિયા મેળવી લીધા.

પીડિત પરિવારે પહેલા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વસો પોલીસ મથકમાં અજાણ્યા નંબરધારક સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો..