Russia Ukraine War માં ઉત્તર કોરિયાના સૈનિકોએ મોટી ભૂમિકા ભજવી છે. હવે આ વાત ખુદ રશિયન સેનાએ કહી છે. રશિયાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાના સૈનિકોએ યુદ્ધમાં બહાદુરી બતાવી છે.

રશિયન આર્મી જનરલ સ્ટાફ ચીફ વેલેરી ગેરાસિમોવે શનિવારે પુષ્ટિ કરી હતી કે ઉત્તર કોરિયાના સૈનિકોએ રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનિયન સૈનિકો સામે લડાઈ કરી હતી. ગેરાસિમોવે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના સૈનિકોએ “યુક્રેનિયન સૈનિકોને ભગાડતી વખતે રશિયન સૈનિકો સાથે ખભે ખભા મિલાવીને લડાઇ કામગીરીમાં ભાગ લીધો હતો અને યુદ્ધમાં ધીરજ અને બહાદુરી દર્શાવી હતી.”

રશિયાએ મોટો દાવો કર્યો
દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે ક્રેમલિન દ્વારા યુક્રેન યુદ્ધ અંગે એક મોટો દાવો કરવામાં આવ્યો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાંથી તમામ યુક્રેનિયન સૈનિકોને હાંકી કાઢવામાં આવ્યા છે. રશિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફ ચીફ વેલેરી ગેરાસિમોવે શનિવારે એક બેઠકમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ આ અંગે માહિતી આપી હતી.

યુક્રેને કોઈ ટિપ્પણી કરી નથી
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કુર્સ્ક ક્ષેત્રમાં મોટી લશ્કરી સફળતા બદલ રશિયન સૈનિકો અને કમાન્ડરોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું, “કુર્સ્ક સરહદી વિસ્તારમાં આપણો દુશ્મન પરાજિત થઈ ગયો છે, આપણા સૈનિકો અને મોરચાની સફળતા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે.” રશિયાના દાવા પર યુક્રેન તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.