Gujarat Weather: ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તે જ સમયે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલના અંતિમ સપ્તાહમાં 8 રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાનો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હાલમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. 1લીથી હવામાનમાં ફેરફાર થશે અને આ ફેરફાર 5મી સુધી ચાલુ રહી શકે છે.

ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના પાટણ અને વાવથરાડ, કચ્છના રાપરમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની શક્યતા છે.

શહેરોનું તાપમાન શું રહેશે

24 એપ્રિલ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમી પડશે.જેના કારણે અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ દરમિયાન ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં ફેરફાર જોવા મળશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે મેના પહેલા સપ્તાહમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. સાથે જ મે મહિનામાં પણ ધૂળવાળુ વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત ધૂળની ડમરીઓ પણ રહેશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.