Gujarat Weather: ગુજરાતમાં આ દિવસોમાં આકરી ગરમી ફરી પાછી ફરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગઈકાલે જ કંડલા એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું. તાજેતરમાં, હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગો માટે આગામી 6 દિવસ માટે હવામાન એડવાઇઝરી જારી કરી છે. આ સાથે વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આકરી ગરમી અને ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે.
ધૂળના તોફાનની ચેતવણી
આ સાથે IMDએ ગુજરાતના દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે તીવ્ર ગરમી અને ધૂળની ડમરીઓની ચેતવણી આપી છે. IMDએ તેની આગાહીમાં જણાવ્યું હતું કે 20 એપ્રિલે રાજકોટ અને કચ્છના ઘણા વિસ્તારોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં 20 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે IMD એ કહ્યું કે 22 થી 24 એપ્રિલની વચ્ચે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહી શકે છે. આ ઉપરાંત સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે.
આ વિસ્તારોમાં કેવો હશે AQI
આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI 270ને પાર કરી શકે છે. તેમણે કહ્યું કે, આણંદ, કપડવંજ, તારાપુર અને પેટલાદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડશે. આ ઉપરાંત રાધનપુર, પાટણ, વિરમગામ, કડી, બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધનગરધ્રા, ધંધુકા, લખતર સહિતના ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં 20મી એપ્રિલે બપોરે ધૂળની ડમરીઓ ઉડી શકે છે.