Gujarat Mass Suicide Case: સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે શનિવારે સામૂહિક આત્મહત્યાના પ્રયાસના સંદર્ભમાં વડાલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ વડાલીમાં રહેતા સાગરવાસના એક પરિવારના પાંચ સભ્યો જેમાં વિનુ સાગર (42), પત્ની કોકિલા (40), પુત્રો નિલેશ (18), નરેન્દ્ર (17) અને પુત્રી ભૂમિકા (19)એ શનિવારે સવારે પોતાના ઘરમાં ઝેર પી લીધું હતું. વિનુ અને કોકિલા દંપતીનું શનિવારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
ત્યાંથી બે પુત્ર અને એક પુત્રીને ગાંધીનગરના સરગાસણ ચાર રસ્તા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે ભાઈઓ – નિલેશ અને નરેન્દ્ર રવિવારે રાત્રે મૃત્યુ પામ્યા. જ્યારે ભૂમિકા ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે ઇડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે સારવાર લઈ રહેલા ક્રિષ્ના ઉર્ફે ભૂમિકાની ફરિયાદના આધારે વડાલી પોલીસ સ્ટેશનમાં અંકિત પટેલ, વડાલીમાં રહેતા ભદ્રરાજસિંહ ચૌહાણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પછી ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વિનુએ ખેડબ્રહ્મામાં રહેતા તેના મિત્ર મહેશ પટેલના ક્રેડિટ કાર્ડ પરથી રૂ.3 લાખની લોન લીધી હતી. એજન્ટ ભદ્રરાજસિંહ હપ્તા માંગીને વિનુને ધમકાવતો હતો. અંકિત વિનુના ઘરેથી ટ્રોલી, કલ્ટીવેટર અને ઇલેક્ટ્રિક બાઇક લઇ ગયો હતો.