Gujarat : માતરના ભલાડા ગામની પંચાયતની ઓફીસની પાછળ રહેતા પરીવારનો દિકરો 14 તારીખે ઘરેથી નીકળી ગયો હતો અને પરત ન આવતા પરીવારજનોએ આ મામલે ગુમ નોંધ લખાવી હતી. જો કે, આજે આ યુવકનો ગામના અવાવરૂ કુવામાંથી મૃતદેહ મળતા પરીવારજનોમાં સોપો પડી ગયો છે. તેમજ પોલીસે યોગ્ય તપાસ ન કરતા દિકરો મોતના મુખમાં પહોંચ્યો હોવાનો પરીવારજનોએ આક્ષેપ કર્યો છે. આ વચ્ચે આ હત્યા છે કે આત્મહત્યા? તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે.

માતર તાલુકાના ભલાડા ગામે પંચાયત ઓફીસની પાછળ 47 વર્ષિય પ્રકાશભાઈ શીવાભાઈ રાવળ રહે છે. તેમનો સૌથી નાનો પુત્ર જયદીપ ઉર્ફે જલ્લુ (ઉ.વ.19) ગત 14મી એપ્રિલના રોજ પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા સિવાય ઘરેથી નીકળી ગયો હતો. જેની લાપતા નોંધ પરિવારજનોએ લીંબાસી પોલીસ મથકે નોધાવી હતી. આજે બુધવારે બે દિવસ બાદ જયદીપ ઉર્ફે જલ્લુનો મૃતદેહ ગામના ભાગોળે આવેલા અવાવરું કુવામાંથી મળી આવ્યો છે. જેના પગલે ગામમાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ લીંબાસી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે આ ગુમ કેસમાં પોલીસે યોગ્ય તપાસ ન કરી હોય અને પરીવારે વારંવાર દિકરાની કોલ ડીટેઈલ્સ તપાસ કરી અને છેલ્લા કોની સાથે કર્યો છે તે અંગે પણ તપાસ કરવા જણાવ્યુ હતુ, આમ છતાં પોલીસે તપાસમાં કોઈ રસ દાખવ્યો ન હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ પોલીસને ઘેરી લીધી હતી. જો કે, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર આ જ ગામના હોય, હોબાળાની જાણ થતા જ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો.

હાલ આ મામલે પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પરીવારજનોના જણાવ્યા મુજબ દિકરો ખૂબ સરળ સ્વભાવનો હતો અને કોઈએ તેની હત્યા કરી હોય તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. હવે આ હત્યા છે કે આત્મહત્યા? તે અંગે યોગ્ય તપાસ બાદ જ સાચી વિગતો સામે આવશે.

આ પણ વાંચો..