Gujarat : નડિયાદમાં કપડવંજ તરફ જતા રોડ પર બિલોદરા ગામ નજીક શેઢી નદીના બ્રિજનું સમારકામ ચાલુ છે. આકસ્મિક આ કામ શરૂ કરી દેવાયુ અને બીજીતરફ બ્રિજના પેલી બાજુ રહેતા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે નડિયાદ તરફ આવવામાં હાલાકી પડે તેમ હતુ, આ બાબતની રજૂઆત બાદ અંતે તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી છે.

તંત્ર દ્વારા બિલોદરા નજીકથી પસાર થતી શેઢી નદીમાં હિટાચી મશીન થકી હાલ કામગીરી શરૂ કરાઈ છે. જ્યાં સાંકળા ભાગે નળ નાખી અને પાણીનો પ્રવાહ ચાલુ રહે અને પગદંડી બની જાય, તે મુજબની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યુ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પૂર્વ આયોજન વગર જ બિલોદરા નજીક નડિયાદ-કપડવંજ રોડ પરના બ્રિજનું કામ શરૂ કરી દીધુ હતુ. જ્યાં કેટલાય દિવસ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જીવના જોખમે પસાર થયા હતા. આ બાબતે સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. 

અંતે તંત્રએ નદીમાં પગદંડી બનાવી અને વૈકલ્પિક રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે શાળાએ જઈ શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરી છે. વોક વે બનતા હવે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને 38 કિલોમીટરનો ફેરો અટકી જશે અને સમયસર નડિયાદ પહોંચે તે મુજબની વ્યવસ્થા ઉભી થશે.

આ પણ વાંચો..