Saudi Arab: બાંગ્લાદેશના ૧૦,૪૮૭ હજ યાત્રીઓ માટે સાઉદી અરેબિયામાં હજુ સુધી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી નથી. ધાર્મિક બાબતોના સલાહકાર ડૉ. એએફએમ ખાલિદ હુસૈને ચેતવણી આપી છે કે જો કોઈ પણ યાત્રાળુની હજ યાત્રા રોકવામાં આવશે તો તેની જવાબદારી સંબંધિત એજન્સીની રહેશે. મંત્રાલયે સમયમર્યાદા પહેલા વ્યવસ્થા પૂર્ણ કરવા તાકીદ કરી છે, નહીં તો હજારો લોકો આ વખતે હજ કરી શકશે નહીં.
દર વર્ષની જેમ આ વખતે પણ લાખો મુસ્લિમ શ્રદ્ધાળુઓ સાઉદી અરેબિયામાં હજ યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ બાંગ્લાદેશ માટે આ ધાર્મિક યાત્રા સંકટમાં ફેરવાઈ ગઈ છે. સાઉદી અરેબિયામાં ૧૦,૪૮૭ બાંગ્લાદેશી હજ યાત્રીઓ માટે રહેવાની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ઝડપથી નજીક આવી રહી છે અને બાંગ્લાદેશના ધાર્મિક બાબતોના મંત્રાલય માટે અસ્વસ્થતાભરી સ્થિતિમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
બાંગ્લાદેશના ધાર્મિક બાબતોના સલાહકાર ડૉ. એએફએમ ખાલિદ હુસૈને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ખાનગી ચેનલો દ્વારા હજ માટે જઈ રહેલા ૮૧,૯૦૦ હજયાત્રીઓમાંથી અત્યાર સુધીમાં મક્કામાં ફક્ત ૭૪,૬૨૬ અને મદીનામાં ૭૮,૬૮૭ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બાંગ્લા ટ્રિબ્યુન અનુસાર, બાકીના 10,487 મુસાફરોની વ્યવસ્થા હજુ પણ અધૂરી છે, જેમાંથી 7,274 મક્કામાં અને 3,213 મદીનામાં રોકાશે.
બેદરકારીને કારણે બાંગ્લાદેશીઓ મુશ્કેલીમાં
ખાલિદના જણાવ્યા મુજબ, કેટલીક એજન્સીઓએ સાઉદી અરેબિયાની સત્તાવાર ઓનલાઈન સિસ્ટમ, નુસુક મસ્દર પર રહેઠાણ માટે અરજી પણ કરી નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે યોજાયેલી ઝૂમ મીટિંગમાં સ્પષ્ટ થયું કે મક્કા માટે 1,126 હજ યાત્રીઓ અને મદીના માટે 1,067 હજ યાત્રીઓની અરજીઓ પેન્ડિંગ છે. આ બેદરકારી મુસાફરોને મુશ્કેલીમાં મૂકી શકે છે.