Gujarat AICC: ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બે દિવસીય સત્રના પ્રથમ દિવસે આજે બેઠક મળશે. CWCની આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. કોંગ્રેસના સૂત્રોએ આની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પાર્ટી પ્રિયંકા ગાંધી વાડ્રા માટે વધુ નિર્ધારિત અને સંભવતઃ ઉચ્ચ ભૂમિકા પર વિચાર કરી રહી છે.
થોડા મહિનામાં છ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ નિર્ણય લેવા જઈ રહી છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધીને નિયુક્ત ભૂમિકા આપવામાં આવી શકે છે. આ કારણે તેમનો રાજકીય અનુભવ અને જનતા સાથેનું જોડાણ પાર્ટી માટે અસરકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા માટે અમદાવાદ પહોંચેલા શશિ થરૂરે કહ્યું છે કે અમે દેશની વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટેની રણનીતિ પર ચર્ચા કરીશું.
કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ સંસદમાં પડકાર ફેંક્યો હતો કે તેઓ ગુજરાતમાં ભાજપને હરાવી દેશે. આ મુશ્કેલ છે પરંતુ રાહુલ ગાંધીએ તેમના છેલ્લા ગુજરાત પ્રવાસ દરમિયાન જે રીતે આક્રમક નિવેદન કર્યું હતું કે સારા લોકોને પ્રમોટ કરવા જોઈએ અને જે કામ નથી કરતા તેમને બાજુ પર મુકવા જોઈએ. તેનાથી સંદેશો ગયો છે. ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે. CWC અંગે તેમણે કહ્યું કે મને ખબર નથી કે જિલ્લા સમિતિઓને મજબૂત કરવા માટે કોઈ પ્રસ્તાવ આવશે કે નહીં પરંતુ સત્તાનું વિકેન્દ્રીકરણ જેટલું વધુ થાય છે. પાર્ટી જેટલી લોકતાંત્રિક હોય છે, તેટલી જ સારી હોય છે.
રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદ પહોંચતા આ બંને નેતાઓનું કોંગ્રેસના સમર્થકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ તેમના ટોચના નેતાઓને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા. સોનિયા અને રાહુલ ગાંધીનું એરપોર્ટ પર આદિવાસી નૃત્ય સાથે પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
CWCની બેઠક શરૂ
અમદાવાદમાં CWCની બેઠક શરૂ થઈ ગઈ છે. CWCની શરૂઆત પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી CWC પહેલા સરદાર પટેલના સ્મારક પર પહોંચ્યા અને લોખંડી પુરૂષને શ્રદ્ધાંજલિ આપી.
કાર્યક્રમ શું છે
ગુજરાતના અમદાવાદમાં બે દિવસીય કોંગ્રેસ કાર્યક્રમના પ્રથમ દિવસે CWCની બેઠક યોજાશે. CWCની બેઠક સરદાર સ્મારક શાહીબાગ ખાતે શરૂ થશે. સાંજે પાંચ વાગ્યે કોંગ્રેસના નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે. કોંગ્રેસના નેતાઓ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજરી આપશે. સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સાંજે 7.45 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. જેમાં મલ્લિકા સારાભાઈ અને અન્ય લોક કલાકારો પરફોર્મન્સ આપશે.