Nepal: નેપાળમાં શિક્ષકોએ સોમવારથી દેશવ્યાપી વિરોધ શરૂ કર્યો છે. શિક્ષકો માંગ કરી રહ્યા છે કે દેશમાં નવો શાળા શિક્ષણ કાયદો લાગુ કરવામાં આવે. જો કે સરકાર શિક્ષકો સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ શિક્ષકોનું કહેવું છે કે ચર્ચા કરવા જેવું કંઈ નથી.
ભારતના પાડોશી રાજ્ય નેપાળમાં સોમવારે શિક્ષકોની જોરદાર હડતાળ પડી હતી. શિક્ષકો તેમની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર પાસે નવો શાળા શિક્ષણ કાયદો લાવવાની સતત માંગ કરી રહ્યા છે. જેના કારણે નેપાળ ટીચર્સ ફેડરેશને સોમવારે હડતાળની જાહેરાત કરી હતી. એટલું જ નહીં નેપાળ ટીચર્સ ફેડરેશને દેશના તમામ શિક્ષકોને એક પત્ર મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાની તમામ જવાબદારીઓ છોડીને કાઠમંડુ પહોંચીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લે.
નેપાળ ટીચર્સ ફેડરેશનના બેનર હેઠળ સોમવારે આ હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. ફેડરેશને તમામ શિક્ષકોને તેમની શાળાઓ બંધ રાખવા અને હાલમાં કોઈપણ પ્રકારની જવાબદારીઓ નિભાવવા જણાવ્યું છે. જેમાં શીટ મૂલ્યાંકન, પરિણામ પ્રકાશન, વર્કશોપ, સેમિનાર અને શિક્ષણ પ્રવાસનો પણ સમાવેશ થાય છે. શિક્ષક સંઘ દ્વારા હડતાળની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સમગ્ર દેશમાં માધ્યમિક શિક્ષણ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની છે અને નવી નોંધણી પણ થવાની છે. નેપાળમાં 15મી એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે.
શિક્ષકો વાત કરવા તૈયાર નથી
આ સમગ્ર મામલે નેપાળના શિક્ષણ મંત્રી બિદ્યા ભટ્ટરાઈએ ‘ધ કાઠમંડુ પોસ્ટ’ને જણાવ્યું કે સરકાર શિક્ષકોને વાતચીત માટે સતત બોલાવી રહી છે. તેમણે કહ્યું કે તેમણે પોતે ફેડરેશનના અધ્યક્ષ સાથે વાત કરી છે. વિરોધ દરમિયાન તેઓ વ્યક્તિગત રીતે આંદોલનકારીઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે ટીચર્સ ફેડરેશને કહ્યું છે કે ચર્ચા કરવા માટે કંઈ નથી. એટલા માટે તેણે મળવાની ના પાડી દીધી છે.
નવા કાયદાની જરૂર છે
દરમિયાન, વિરોધ કરી રહેલા શિક્ષકોનું કહેવું છે કે તેઓને માત્ર નવો શાળા શિક્ષણ કાયદો જોઈએ છે. જ્યાં સુધી તેનો અમલ નહીં થાય ત્યાં સુધી શિક્ષકો આ રીતે વિરોધ ચાલુ રાખશે. ફેડરેશનના ચેરપર્સન લક્ષ્મી કિશોર સુબેદીએ કહ્યું કે અમને ફક્ત નવા કાયદાની જરૂર છે. તમને જણાવી દઈએ કે 2 એપ્રિલથી સમગ્ર નેપાળમાંથી ઘણા શિક્ષકો કાઠમંડુમાં એકઠા થયા છે અને સંસદમાં નવું શાળા શિક્ષણ બિલ પસાર કરવાની સતત માંગ કરી રહ્યા છે.