ચકલાસીમાં રામપુરા તાબે એક ખેતરમાં MGVCLનો થ્રી ફેઝ લાઈનનો જીવંત વાયર તૂટીને પડ્યો છે. આ વાયરને હટાવવા માટે ઓનલાઈન અને રૂબરૂ તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં 4 દિવસથી MGVCLના અધિકારીઓ ડોકીયુ કરવા પણ ફરક્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

મળતી માહિતી મુજબ ચકલાસીના રામપુરામાં સુરાશામળ ફીડરનું થ્રી ફેઝ લાઈન કનુભાઈ મંગળભાઈ વાઘેલાના ખેતર પાસેથી પસાર થાય છે. આ લાઈનનો વીજ વાયર છેલ્લા ચારેક દિવસથી ખેતરમાં તૂટીને પડ્યો છે. આ વીજ વાયર જીવંત છે, જેથી ખેતર માલિક અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ મામલે ત્વરીત MGVCLને જાણ કરાઈ હતી.

જો કે, બે દિવસ સુધી MGVCLના કર્મચારીઓ અત્રે ફરક્યા ન હતા. જેથી સમગ્ર બાબતે સ્થાનિકો છેલ્લા બે દિવસથી રૂબરૂ મૌખિક રજૂઆતો કરી MGVCLના અધિકારીઓને ગંભીરતા જણાવી રહ્યા છે. તેમ છતાં ચાર દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી MGVCLના કોઈ અધિકારી કે કર્મચારીઓ અહીંયા પહોંચ્યા નથી.

જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. તો આ જીવંત વીજ વાયર જે ખેતરમાં પડ્યો છે, તેની આસપાસ રહેણાંક વિસ્તાર આવેલો છે. જેથી કોઈ પણ જાનહાનિ થાય કે નુકસાન પહોંચે, તેની સંપૂર્ણ જવાબદારી MGVCLની રહેશે, તેવો આક્રોશ સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો..