Gujaratના ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાના હાથજમાં આવેલી ખેતીલાયક જમીનના મુખ્ય માલિક વર્ષ 1971માં અવસાન પામ્યા હોવા છતાં ગત વર્ષે નડિયાદ અને નવા બિલોદરાના બે ભૂમાફીયાઓએ અન્ય વ્યક્તિઓની મદદ લઈ એક જમીનનું વેચાણ દસ્તાવેજ કરાવી લીધું હતું અને આ મામલે જમીનના મૂળ માલિકના વારસદારે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નિમાયેલી સીટમાં અરજી કર્યા બાદ સીટ દ્વારા ફરિયાદ નોંધવા માટે હુકમ કરાયો અને હાલ આ મામલે નડિયાદ ગ્રામ્ય મથકે ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ Gujaratના નડિયાદમાં આવેલા મનહરવાડીના ખાચામાં રહેતા આશિષ હર્ષદભાઈ પટેલ ની વડીલો પાર્જિત ખેતીલાયક જમીન નડિયાદ તાલુકાના હાથજમાં આવેલી છે. આ જમીન લાંબા સમયથી બિનવારસી હોવાની જાણ દલાલ તરીકે કામ કરતા નવા બિલોદરાના આલાભાઇ જગમાલભાઈ ભરવાડ અને મરીડાના સંગ્રામભાઈ વનાભાઈ ભરવાડને થઈ હતી.

તેમણે આ અંગેની જાણ નડિયાદ કપડવંજ રોડ પર આવેલ એસ.આર.પી ક્વાર્ટરમાં રહેતા અર્જુનભાઈ ગોબરભાઈ ભરવાડને કરી હતી. આ તમામ લોકોએ ભેગા થઈને આ જમીન પચાવી પાડવા માટે કારસ્તાન કર્યું હતું અને ભળતું નામ ધરાવનાર પીપલગના જેઠાભાઇ બેચરભાઈ પટેલનું આધારકાર્ડ મેળવ્યું હતું અને ફોટામાં ચેનચાળા કરી ડમી આધારકાર્ડ બનાવ્યુ હતુ. તે બાદ અજાણી વ્યક્તિને જેઠાભાઈ બેચરભાઈ પટેલનું નામ ધારણ કરાવી અને નડિયાદ સબ રજીસ્ટર કચેરીમાં તારીખ 9/ 8/ 2024ના રોજ હાજર રાખી વેચાણ દસ્તાવેજ બ્લોક નંબર 302 વાળી જમીન 41.48 ગુંઠા જમીન અર્જુનભાઈ ભરવાડે પોતાના નામે દસ્તાવેજ કરી લીધી હતી.
વારસદારને જાણ થતા મામલો સામે આવ્યો
આ અંગેની જાણ આશિષભાઈ હર્ષદભાઈ પટેલને થઈ હતી, તેમણે તમામ દસ્તાવેજી પુરાવાઓ સબ રજીસ્ટર કચેરી અને મામલતદાર કચેરીમાંથી મેળવ્યા હતા, જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી અને આખુ રેકેટ બહાર આવ્યુ હતુ. જેથી આ મામલે આશિષભાઈએ કલેક્ટરની અધ્યક્ષતાવાળી સીટમાં અરજી કરી અને પુરાવા રજૂ કર્યા હતા, જેથી આ સીટ દ્વારા તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરવા આદેશ કરાયો છે, જેના પગલે નડિયાદ ગ્રામ્ય મથકે અર્જુન ગોબરભાઈ ભરવાડ અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
અન્ય મૃતકના આધારકાર્ડમાં ફોટા સાથે છેડછાડ કરાઈ
મૂળ જમીન માલિકના ભળતા નામવાળા પીપલગના જેઠાભાઈ બેચરભાઈ 2019માં મૃત્યુ પામ્યા હતા. તેમના નામના આધારકાર્ડમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોટો સેટ કરી અને બોગસ આધારકાર્ડ ઉભુ કરાયુ હતુ. તે બાદ આ બોગસ વ્યક્તિ અને બોગસ આધારકાર્ડનો ઉપયોગ કરી દસ્તાવેજ કરાયો હતો.
અન્ય જમીન હડપી લેવા ટોકન ખરીદી લીધુ હતુ
અર્જુન ભરવાડ અને તેના અન્ય સાગરીતોએ હાથજની જ બ્લોક નંબર 217 વાળી 86 ગુંઠા જમીન હડપી લેવાનો કારસો રચ્યો હતો. જેમાં દસ્તાવેજ ની તારીખ લેવા માટે અરજી કરી ટોકન પણ લઈ લીધું હતું. આ જમીનમાં પણ તેઓ ગેરકાયદેસર પડાવીની તૈયારી કરી હતી. પરંતુ મૂળ માલિકના વારસદાર સક્રિય થતા આરોપીઓએ આ દસ્તાવેજ માંડી વાળ્યો હતો.
બે જુદી-જુદી ફરીયાદ નોંધાઈ
આ તમામ બાબતો બહાર આવતા આશિષભાઈ હર્ષદભાઈ પટેલે ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સીટમાં અરજી કરી હતી અને તપાસ દરમિયાન સીટ દ્વારા આ કાર્યક્રમ બાબતે બે અલગ અલગ ફરિયાદોનો આદેશ કર્યો છે. એક ફરીયાદમાં આરોપી તરીકે અર્જુનભાઈ ગોબરભાઈ ભરવાડ, આલાભાઇ જગમાલભાઈ ભરવાડ ,સંગ્રામભાઈ મનાભાઈ ભરવાડ અને જેઠાભાઈ બેચરભાઈ પટેલ તરીકે નામ ધારણ કરી આવનાર અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે બીજી જમીનના વેચાણ દસ્તાવેજ માટે ટોકન તારીખ લીધી હતી. તે ફરિયાદમાં અર્જુનભાઈ ગોબરભાઇ ભરવાડ અને આલાભાઇ જગમાલભાઇ ભરવાડ તેમજ અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો..
- Kesari Chapter 2 Movie Release : ‘કેસરી 2’ એ દર્શકોના દિલ જીતી લીધા, અક્ષય માટે ચાહકોનો સૂર, ‘રાષ્ટ્રીય પુરસ્કાર મળવો જોઈએ’
- RCB vs PBKS IPL 2025: RCB આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે
- Middle East માં ફરી મૃત્યુનો ધુમાડો નીકળવા લાગ્યો, ગાઝામાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલામાં 17 લોકોના મોત
- Gujaratના અધિક આરોગ્ય સચિવ ₹30 લાખની લાંચ માંગવા બદલ પકડાયા, 3 દિવસના રિમાન્ડ પર મોકલાયા
- Gujaratનો મામલો Delhi પહોંચ્યો, કોંગ્રેસ પ્રમુખ દ્વારા પત્ર લખાયો, વાત કંઈક એમ છે કે….