આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ Ishudan Gadhaviએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં વારંવાર આગ લાગવી અને લોકોના જીવ સાથે રમત રમવા જેવી ઘટનાઓ ઘટી રહી છે. ગઈકાલે ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં 21 નાગરિકો જીવતા ભૂંજાયાં છે. અમારી ટીમની માહિતી અનુસાર લોકલ પોલીસે ફટાકડાની ફેક્ટરી માટે લાયસન્સ આપવાની ના પાડી હતી. ત્યારબાદ સ્થાનિક ભાજપના ધારાસભ્યના દબાણ હેઠળ આ ફેક્ટરીઓને ચાલવા દેવામાં આવતી હોવાની વાતો વહેતી થઈ છે, જે તપાસનો વિષય છે. રાજકોટનો અગ્નિકાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણીકાંડ હોય કે મોરબીનો બ્રિજકાંડ હોય. આ તમામ જગ્યાએ આપણે લાશો જોઈ. ત્યારબાદ SITના નામે એક અંગતકડું આવે. આ SIT એ ઘટનાઓને છુપાવવાનું ભાજપનું કાવતરું છે એ વિશે મેં પહેલા પણ જણાવ્યું હતું. જ્યારે પણ કોઈ ભાજપના નેતા કે અધિકારીઓની સંડોવણી દેખાતી હોય ત્યારે તે લોકોને ક્લીન ચેટ આપી દેવામાં આવે છે. શા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની અધ્યક્ષતામાં SIT ની રચના નથી થતી? કારણ કે ભાજપને તેના ધારાસભ્યો અને નેતાઓને જેલમાં જવાની બીક છે.
ગુજરાતના નાગરિકો સાથે ભાજપ રમત રમે છે અને ભાજપ એકદમ અસંવેદનશીલ છે. ભાજપના નેતાઓ પોતાના બાપની જાગીર હોય તે રીતે સરકાર ચલાવી રહ્યા છે. હું ફરી એકવાર માંગુ છું કે મૃતકોના પરિવારને એક કરોડની સહાય આપવામાં આવે. સાથે સાથે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક ઉચ્ચ કક્ષાની તપાસ કમિટી રચાય તેવી પણ માંગ કરું છું. ભાજપ તપાસ નહીં કરાવી શકે કારણ કે તેમના પોતાના નેતાઓની સંડોવણી બહાર આવી જાય તેમ છે.
બીજી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે આયુષ્યમાન કાર્ડના નામે લોલમલોલ ચાલી રહી છે. દેશના પ્રધાનમંત્રી વારંવાર આયુષ્યમાન કાર્ડની વાતો કરે છે પરંતુ ગુજરાતની પ્રાઇવેટ હોસ્પિટલોએ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરવાની ના પાડી દીધી છે. ગુજરાતની લગભગ 233 હોસ્પિટલ હોય આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરવાની ના પાડી છે. ભાજપના આરોગ્ય મંત્રી આ મુદ્દે જવાબ આપે કે નાગરિકો જાય ક્યાં? ચૂંટણીઓમાં વાયદો કરવામાં આવ્યો હતો કે દસ લાખ સુધીની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ કરવામાં આવશે, પરંતુ હવે ગરીબ માણસ ક્યાં જાય? હોસ્પિટલો કહે છે કે સરકાર તેમને રૂપિયા નથી આપતી. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.
હાલ આયુષ્યમાન કાર્ડ પણ નીકળતા નથી કારણ કે એક ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો કાંડ સામે આવ્યો. જો ખ્યાતિ હોસ્પિટલમાં કોઈક કાંડ થયો છે તો જવાબદાર લોકોને જેલમાં મોકલો અને બીજી હોસ્પિટલોમાં આવો કોઈ કાંડ ન થાય તેની તકેદારી રાખો. મારો સરકારને સવાલ છે કે શા માટે ભૂલ કરનાર મંત્રીઓને તમે કાઢી નથી મુકતા અને રાજીનામાં આપીને નથી જતા રહેતા? તમારે સરકારમાં બેસવું છે પરંતુ તમે કોઈ કાંડ રોકી શકતા નથી. આ પહેલા તળાવ કાંડ થયો ત્યારે તમે જમીન વિકાસ નિગમ બંધ કરી દીધો પરંતુ તળાવ કાંડનું કૌભાંડ તમે બહાર ન લાવી શક્યા. હાલ ભાજપના કેટલાય નેતાઓ કાર્ડના નામે કરોડોના કૌભાંડ કરીને બેઠા છે, એ લોકોને ભાજપ રોકતું નથી, પરંતુ બીજી સામાન્ય હોસ્પિટલોમાં સરકાર આયુષ્યમાન કાર્ડની રકમ ચૂકવતી નથી. માટે ગુજરાતની જનતા આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની સારવાર માટે રજડી રહી છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહીશ કે તમે ભુપેન્દ્રભાઈને ફોન કરીને કહી દો અને ભુપેન્દ્રભાઈ પટેલથી અને આરોગ્ય મંત્રીથી સરકાર ન ચલાવી શકાય તે હોય તો બીજા કોઈને જવાબદારી સોંપી દો. આમ આદમી પાર્ટીની માંગ છે કે આયુષ્યમાન કાર્ડ બનવાની કામગીરી અને હોસ્પિટલોમાં કાર્ડ સ્વીકારવાની કામગીરી શરૂ થાય તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે.