Gandhinagar: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં ઈન્ફીનીયન ટેક્નોલોજી ઇન્ડિયાના નવા “ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર”નો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી જાહેર કરી તેના એક જ મહિનામાં રાજ્યમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલીટી સેન્ટરનું આજે ઉદ્ઘાટન થયું છે, તે વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.

ગિફ્ટ સીટી ખાતે આ ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર કાર્યરત થતાં ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રના નવા અધ્યાયની શરૂઆત થઇ છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ સેન્ટરના કારણે ગુજરાત દેશ અને દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન આપવા માટે વધુ સક્ષમ બનશે. 

મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇન્ફીનીયન ટેક્નોલોજી અને IIT-ગાંધીનગર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ, ટેક્નોલોજી ડેવલપમેન્ટ, ઇનોવેશન અને ટેલેન્ટ ડેવલપમેન્ટમાં સહયોગ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

એટલું જ નહિં, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ ડૉ. મોના ખંધારે ગુજરાત સરકારની “ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી ૨૦૨૫-૩૦” હેઠળ મળવાપાત્ર નાણાકીય પ્રોત્સાહનોનો મંજૂરીપત્ર ઈન્ફીનીયન ટેક્નોલોજીના સી.ઈ.ઓ શ્રીયુત યોહેન હેનેબેકને સુપ્રત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દેશને ટેક્નોલોજી ક્ષેત્રે સક્ષમ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ AI અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટીકલ ટેકનોલોજી પર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. તેના પરિણામે આગામી સમયમાં નવિન ટેકનોલોજી અને ઇનોવેશન ગુજરાતના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનથી ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. વિશ્વનો સૌથી અફોર્ડેબલ ઇન્ટલેક્ચુઅલ મેનપાવર ભારત પાસે છે અને ખૂબ ઝડપથી વિકસી રહેલી નોલેજ બેઝ્ડ ઈકોનોમી તેનું ઉત્તમ ઉદાહરણ છે.

આજે ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે, જ્યાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યાં છે. દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા સેમિકન્ડક્ટર ચીપ પણ ગુજરાતમાં જ બનશે, તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પની સિધ્ધિ માટે “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે “વિકસિત ગુજરાત @ ૨૦૪૭”નો રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ગુજરાત સરકારે ગ્લોબલ કેપેસિટી સેન્ટર, AI અને ઇનોવેશન આધારિત ક્ષેત્રોને અર્નિંગ વેલ હેઠળ આવરીને પ્રાથમિકતા આપી છે. 

ભારતના વિકાસમાં ગુજરાતના મહત્વપૂર્ણ ફાળાની વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતના GDPમાં ૮.૩ ટકાનો ફાળો, રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ૧૮ ટકાનો ફાળો અને કુલ નિકાસમાં ૩૧ ટકાના ફાળા સાથે ગુજરાત ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા, નવીનતા અને વૈશ્વિક એકીકરણમાં અગ્રેસર છે. 

ઈન્ફીનીયન ટેક્નોલોજીસના સી.ઈ.ઓ શ્રી યોહેન હેનેબેક જણાવ્યું હતું કે, ભારત વિશ્વના સેમીકંડકટર હબ તરીકે ઝડપથી વિકાસ પામી રહ્યું છે. જેમાં ગુજરાત તેની ઉદ્યોગ હિતલક્ષી નીતિઓના પરિણામે સેમીકંડકટર ક્ષેત્રે ભારતના હૃદય સમાન કામ કરી રહ્યું છે. ગુજરાતમાં શરુ થયેલું ઇન્ફીનીયન ટેકનોલોજીનું ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર ભારતના વિકાસને વધુ વેગવાન બનાવશે. આગામી પાંચ વર્ષમાં ઇન્ફીનીયન ગુજરાતમાં ૫૦૦ પ્રોફેશનલ એન્જીનીયરોને રોજગારી આપશે, તેમ કહી તેમણે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.  

ઇન્ફીનીયન ટેકનોલોસજી ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી વિનય શેનોયે કાર્યક્રમના પ્રારંભે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે “ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી ૨૦૨૫-૩૦” હેઠળ સૌપ્રથમ ઇન્ફીનીયનને મહત્વપૂર્ણ લાભ અને સહયોગ આપવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.  

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર અને ગીફ્ટ સિટીના ચેરમેન શ્રી ડો. હસમુખ અઢિયા તેમજ IIT-ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. રજત મૂના ઉપરાંત ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને ઇન્ફીનીયન ટેક્નોલોજીસના પ્રતિનિધિઓ-કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.