Gujarat: વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતના કૃષિ ક્ષેત્રનું ચિત્ર વર્ણવતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ગુજરાતમાં અનેક વ્યવસાયોના પાયામા કૃષિ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ છે. 

કૃષિ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ડિજિટલાઈઝેશન, ખેડૂત કલ્યાણ, પાક સંરક્ષણ, કૃષિ યાંત્રિકીકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની કૃષિ એમ કુલ પાંચ આયામો પર વિશેષ ભાર મૂક્યો છે.

*મંત્રીશ્રીએ પ્રથમ આયામ ડિજિટલાઇઝેશનને અંગે જણાવ્યું હતું કે -*

* ગુજરાતમાં આઈ-ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦” કાર્યરત કરવામાં આવશે.

* એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રીમાં ૫૦ ટકા ખેડૂતોની નોંધણી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અત્યાર સુધી ૪૦ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે.

* પાકની વાવણીથી લઇને કાપણી સુધીની સમગ્ર પ્રક્રિયા, પાકનું સ્વાસ્થ્ય, રોગ-જીવાતની માહિતી, જમીનમાં ભેજ સહિતની વિવિધ માહિતી-સૂચનો હવે સેટેલાઇટ આધારિત “કૃષિ પ્રગતિ – કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર” દ્વારા મેળવી શકાશે.

*મંત્રીશ્રીએ દ્વિતીય આયામ ખેડૂત કલ્યાણ અંગે જણાવ્યું હતું કે -*

* ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૬,૬૯૭ ખેડૂત કુટુંબોને રૂ. ૪૬૬ કરોડની વિમા સહાય પૂરી પાડવામાં આવી છે.  

* આપત્તિના સમયે રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે ઉભી રહી છે. વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં પાક નુકસાની પેટે રાજ્યના ૯૯ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.૧૨,૩૯૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

* પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ઓગણીસ હપ્તામાં ૬૬ લાખ લાભાર્થી ખેડૂત કુટુંબોને કુલ રૂ.૧૯,૪૯૫ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

* ગુજરાતે આ વર્ષે ટેકાના ભાવે ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડના મૂલ્યની ૧૨,૨૩ લાખ મે.ટન મગફળીની વિક્રમજનક ખરીદી કરી છે.

* ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ટેકાના ભાવે વિવિધ જણસીઓનો ૧૬ લાખ ખેડૂતો પાસેથી રૂ.૧૬ હજાર કરોડના મૂલ્યનો ૩૦ લાખ મે.ટનથી વધુ જથ્થો ખરીદવામાં આવ્યો છે.

*મંત્રીશ્રીએ તૃતીય આયામ પાક સંરક્ષણ અંગે જણાવ્યું હતું કે -*

* ખેતરની ફરતે કાંટાળા તારની વાડ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાય માટે પાંચ હેકટરના ક્લસ્ટર વિસ્તારની મર્યાદાને ઘટાડીને બે હેક્ટર કરવામાં આવી છે.

* કાંટાળા તારની વાડના વિકલ્પ સ્વરૂપે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ કરવા માટે ખેડૂતોને સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી પર સહાય આપવા રૂ.૫૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

* આદિજાતી વિસ્તારના ૫૩ તાલુકા માટે GVK-EMRI મારફત ખેડૂત સુવિધા રથની યોજના અમલમાં મૂકવામાં આવશે. જે અંતર્ગત ખેતરે-ખેતરે નિષ્ણાતો દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી સમજ અને માર્ગદર્શન આપવામાં આવશે.

* ખેડૂતો ખેત ઉત્પાદનોનું સુરક્ષિત સંગ્રહ કરી શકે તે માટે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય રૂ. ૭૫,૦૦૦થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે.

*મંત્રીશ્રીએ ચતુર્થ આયામ કૃષિ યાંત્રિકીકરણ અંગે જણાવ્યું હતું કે -*

* ગુજરાતમાં માનવશ્રમના અભાવને પહોંચી વળવા તેના વિકલ્પ તરીકે કૃષિ યાંત્રિકીકરણને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

* આગામી વર્ષે આશરે ૮૦,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી તથા ૧,૬૫,૮૦૦ ખેડૂતોને કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ રોટાવેટર સહિતના ખેત ઓજારોની ખરીદી પર સહાય આપવા બજેટમાં રૂ. ૧૩૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

* ખેડૂતોની લાંબા સમયની માંગણીને ધ્યાને લેતા ટ્રેક્ટર ખરીદી માટેની સહાય રકમમાં વધારો કરીને રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે.

*મંત્રીશ્રીએ પાંચમા આયામ ઉજ્જવળ ભવિષ્ય માટેની કૃષિ અંગે જણાવ્યું હતું કે -*

* પ્રાકૃતિક કૃષિ ભવિષ્યની કૃષિનો મુખ્ય આધાર છે. સાતત્યપૂર્ણ વિકાસ માટે ભવિષ્યની કૃષિ ટકાઉ અને સક્ષમ હોવા સાથે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે તાલમેલ મિલાવતી આગળ વધે તે જરૂરી છે. 

* વડાપ્રધાનશ્રીએ તેમની દિર્ઘદ્રષ્ટીથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને મિલેટની ખેતીની દિશામાં નવી રાહ ચીંધી છે. પ્રાકૃતિક કૃષિના અભિયાનને આગળ વધારવા બજેટમાં રૂ. ૪૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

* રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના અને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની અમલવારી માટે ૧૦૬૭નું નવું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.

* નેનો ખાતરના ઉપયોગથી પરંપરાગત રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવાના ઉદ્દેશ્ય સાથે બજેટમાં નેનો ખાતરના પ્રોત્સાહન માટે રૂ. ૭૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

*મંત્રી શ્રી રાઘવજી પટેલે કૃષિ સંશોધન અને શિક્ષણ ક્ષેત્ર અંગે જણાવ્યું હતું કે -*

* રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પ્રતિ વર્ષ અંદાજીત ૧૦થી વધુ પેટન્ટ વિકસાવવામાં આવે છે. 

* સંશોધન ક્ષેત્રે વિવિધ પાકો માટેની વધારે ઉત્પાદન આપતી,રોગપ્રતિકારક શક્તિ ધરાવતી અને વિપરીત હવામાન સામે ટકી શકે તેવી સુધારેલ ૨૫ જાતો વિકસાવવામાં આવી છે.

* કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનોની ૨૨૫ જેટલી સંશોધન ભલામણો ખેડૂતો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગકારો માટે બહાર પાડવામાં આવી છે.

* કૃષિ શિક્ષણને વધુ વેગ આપવા થરાદ ખાતે નવીન કૃષિ ઇજનેરી કોલેજ અને જામનગર ખાતે નવીન કૃષિ કોલેજની સ્થાપના કરવામાં આવશે.

કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કૃષિ વિભાગ હેઠળના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ-અમદાવાદ ખાતે એરકાર્ગો કોમ્પ્લેક્ષ અને બાવળા ખાતે ઈરીડીયેશનની સુવિધા ઉપલબ્ધ છે. જેના માધ્યમથી ગત બે વર્ષમાં ૪૫૦ મેટ્રીક ટન કેરીની નિકાસ કરવામાં આવી છે.

બાગાયત કૃષિ અંગે મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો હવે રૂઢિગત ખેતી છોડી પેશનફ્રુટ, કમલમ, ખારેક, દાડમ, સ્ટ્રોબેરી, ફૂલ તથા શાકભાજી જેવા નવીન આશાસ્પદફળ પાકોની ખેતી કરીને વિષેશ લાભ મેળવી રહ્યા છે. 

રાજ્યમાં ખેતીનો ચીલો બદલાતા છેલ્લા બે દાયકામાં રાજ્યના બાગાયતી પાકોનો વિસ્તાર ૧૦ લાખ હેક્ટરથી વધીને ૨૨ લાખ હેક્ટર અને ઉત્પાદન ૯૪ લાખ મે.ટનથી વધીને ૨૬૯ લાખ મે.ટન નોંધાયું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહ ખાતે પસાર થઈ હતી.